હજામચોરા ગામના તળાવમાં નાહવા પડેલા ૧૪ વર્ષના ભાઈને બચાવવા પડેલો ૧૭ વર્ષનો મોટો ભાઈ પણ ડૂબ્યો: બન્ને ભાઈના મૃત્યુને લઈને પરિવારમાં ભારે શોકની લાગણી: ફાયરે મૃતદેહો બહાર કાઢી પોલીસ ને સોંપ્યા

જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં નોમનો દિવસ ગોજારો સાબિત થયો હતો, અને બે સગા ભાઈઓના ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજ્યા હોવાથી મૃતકના પરિવાર સહિત સમગ્ર હજામચોરા ગામ શોકમગ્ન બન્યું છે. ગામના તળાવમાં નાહવા પડેલો ચૌદ વર્ષનો નાનો ભાઈ ડુબવા લાગ્યો હતો, જેને બચાવવા પડેલા મોટાભાઈએ ઝંપલાવી દેતાં બંનેના  નિપજયા છે. ફાયરે મૃતદેહ ને બહાર કાઢીને ધ્રોળ પોલીસને સુપ્રત કર્યા છે.


આ બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં આવેલા તળાવમાં આજે નોમના તહેવારના દિવસે હજામ ચોરા ગામનાજ કેટલાક બાળકો બપોરે બે વાગ્યાના અરસામાં નાહવા માટે પડ્યા હતા, જે પૈકી વિનોદ વાલજી વાઘેલા નામનો ૧૪ વર્ષનો તરુણ કે જે એકાએક તળાવના પાણીમાં ડુબવા લાગ્યો હતો. આ વેળાએ ત્યાં જ હાજર રહેલો તેનો મોટો ભાઈ નિલેશ વાલજી વાઘેલા કે જે તેને બચાવવા માટે કૂદી પડ્યો હતો, અને નાના ભાઈને પકડવા જતાં તેને પણ અંદર પાણીમાં ખેંચી લીધો હોવાથી બંને ભાઈઓના ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યા હતા. જેથી હજામચોરા ગામમાં ભારે ગમગીની ફેલાઈ હતી.

આ બનાવ સમયે પાણીમાં નાહી રહેલા અન્ય બાળકોએ ભારે બુમાબુમ કરી હતી અને ગ્રામજનો દોડી આવ્યા હતા. કેટલાક સ્થાનિક તરવૈયાઓ એ પણ તળાવમાં ઝંપલાવીને બંને ભાઈઓને બહાર કાઢવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેથી જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા તેમજ ધ્રોળની ફાયર શાખા ને જાણ કરાતા બંને ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના વલ્લભભાઈ બાહુકિયા, ઋષિરાજસિંહ જાડેજા, કિશનભાઇ ગાગીયા, તેમજ ધ્રોલ ફાયર ટીમના કૌશિકભાઇ વરૂ, વિરમભાઈ વરુ, તેમજ ભોગાભાઈ ઝૂંઝા વગેરેએ બે કલાકની જહેમતપછી બંને ભાઈઓના મૃતદેહો મળી આવ્યા હતા, તે બંનેને કાંઠે લાવ્યા પછી ધ્રોલ પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.ડી. કામરીયા તેમજ જયેશભાઈ પઢેરીયા ને સુપ્રત કરી દેવાયા હતા. જે બંને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર કાર્યવાહી સમયે મૃતકના પરિવારજનો તેમ જ અન્ય ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા, અને ભારે શોકમગ્ન વાતાવરણ બની ગયું હતું.










.