પ્રેમલગ્ન કરનાર ભત્રીજી સાથે સંબંધ રાખનાર જનેતાને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી 

જામનગર મોર્નિંગ - જામનગર 

આજે દિવસે-દિવસે સામાજીક ક્ષેત્રે એવી ઘટનાઓ ઘટતી જાય છે કે એ ઘટના પ્રત્યે લોકો ફીટકાર અને ધૃણા વરસાવતા હોય છે. સતયુગના શ્રવણે પોતાના અંધ મા-બાપને જાત્રા કરાવી હતી. અને કળિયુગના શ્રવણ પોતાના મા-બાપને માર મારી, જાનથી મારી પણ નાખતા હોય છે. જામનગરમાં આવીજ એક ઘટના ઘટવા પામી છે. જેમાં પુત્રએ તેની પ્રેમલગ્ન કરનાર ભત્રીજી સાથે સંબંધ રાખવા માટે પોતાની સગી જનેતાને માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. 

જામનગર શહેરના યોગેશ્વર નગરમાં રહેતાં મંજુલાબેન દ્વારકાદાસ ગોંડલીયા નામની ૬૨ વર્ષીય વૃદ્ધાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ત્રણ દિકરાઓ દીપક, નિર્ભય અને અજય છે અને તેઓ અજય સાથે રહે છે. તેમના મોટા પુત્ર દિપકની દીકરી આશાની સગાઇ એકાદ વર્ષ પૂર્વે જુનાગઢ ખાતે થયેલ હતી પરંતુ દિપકની આર્થિક પરિસ્થિતી નબળી હોવાથી તેમની પુત્રી આશાબેન એકાદ માસ પૂર્વે રાજીખુશીથી કોર્ટે મેરેજ કર્યા હતા અને તે જુનાગઢ સાસરેથી તેમના દાદી મંજુલાબેન સાથે ફોન પર વાતચીત કરતી જે અજયને પસંદ નહોતું અને અવાર-નવાર તેમને ફોન પર વાત ન કરવા કહેતો અને ગત તા. ૨૮.૧૦ ના રોજ અજયે તેમને કહેલ કે તારે જો મારી સાથે રહેવું હોય તો આશા સાથે સંબંધ રાખવો નહિ કે ફોન ઉપર વાતચીત કરવી નહી જેથી મંજુલાબેને કહેલ કે મે આશાને બાળપણથી જ મોટી કરી છે જેથી હું તો તેની સાથે વાતચીત નો કરીશ તેમ કહેતા ઉશ્કેરાયેલા અજયે ઢીકાપાટુનો માર મારી ડોકના ભાગે નખોડીયા ભરી હવે જો તેની સાથે વાત કરવી હોય તો તેની સાથે જુનાગઢ જતી રહેશે અને જો અહીં મારી સાથે રહીને વાત કરીશ તો હું તને જાનથી મારી નાખીશ ધમકી આપતાં તેણીએ તેમના પુત્રવધુ અલ્પાબેન અજય સાથે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં તેમના પુત્ર અજય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.