સંયુક્ત વાડામાં ઢોર બાંધવા બાબતેની તકરારમાં ઝનુંની સ્વભાવના ભત્રીજાએ કાકીના માથામાં લાકડું ફટકારી ઢીમ ઢાળી દીધું

જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સિંગચ ગામમાં ભત્રીજાએ પોતાના સગા કાકીની હત્યા નિપજાવ્યાનો મામલો સામે આવતાં ભારે ચકચાર જાગી છે. સંયુક્ત વાડામાં ઢોર બાંધવા અંગેની તકરારમાં ઝનુંની સ્વભાવના ભત્રીજાએ વૃદ્ધ કાકીના માથામાં લાકડાનો ધોકો ફટકારી, કાસળ કાઢી નાખ્યું હતું. પોલીસે આરોપીને ઝડપી લીધો છે.

આ હત્યાના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના સીંગચ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા મનસુખભાઈ મોહનભાઈ નકુમ નામના ૩૭ વર્ષના સતવારા યુવાને પોતાની વૃદ્ધ માતા મણીબેન (ઉ.વ.૬૨)ના માથામાં લાકડાનો ધોકો ફટકારી હત્યા નિપજાવવા અંગે પોતાના જ પિતરાઈ ભાઈ અશોક હરિભાઈ નકુમ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને મેઘપર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. બીબી કોડીયાતર તેમજ સ્ટાફના જીગ્નેશભાઈ વગેરેએ આઈપીસી કલમ ૩૦૨ અને જી.પી.એકટ કલમ ૧૩૫-૧ મુજબ ગુનો નોંધી આરોપી અશોક નકુમ ની અટકાયત કરી લીધી છે, અને હુમલામાં વપરાયેલો લાકડાનો ધોકો કબજે કરી લીધો છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપી બંને એક જ ફળિયામાં સંયુક્ત કુટુંબમાં પરંતુ અલગ અલગ મકાનમાં રહે છે, અને બંને પરિવારો વચ્ચે ઢોર બાંધવા માટેનો સંયુક્ત વાડો છે. જે વાડામાં ઢોર બાંધવાના પ્રશ્ને બંને પરિવાર વચ્ચે ગજગ્રાહ ચાલતો હતો.

દરમિયાન મંગળવારે મણીબેન નકુમ કે જેઓ વાડામાં ફૂલ લેવા ગયા હતા, જે દરમિયાન પશુ બાંધવાના મામલે આરોપી ભત્રીજા અશોક નકુમે તકરાર કરી હતી, અને ઝનુંની સ્વભાવ નો હોવાથી ઉશ્કેરાટમાં આવી જઇ વાડામાં પડેલો લાકડાનો ધોકો ઉઠાવીને તેના કાકી મણીબેનના માથા પર લાકડાના ધોકા ના બે ઘા જીકી દીધા હતા, જેના કારણે મણીબેન નું મૃત્યુ નીપજયું હતું, અને બનાવ હત્યામાં પલટાયો હતો. સમગ્ર મામલે મેઘપર પોલીસ વધુ તપાસ ચલાવે છે. 







.