• સશસ્ત્ર દળોમાં જોડાવા માટે નિષ્ઠાવાન, સત્યવાદી, શિસ્તબદ્ધ અને સમર્પણની ભાવના રાખો : શિક્ષણમંત્રીશ્રી
  • કાર્યક્રમમાં વર્ષ 2022-23 માટે વિવિધ શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર કેડેટ્સને ઈનામો, ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરાયા


જામનગર તા.૬ નવેમ્બર,જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા ગત તા.3 નવેમ્બર 2023ના રોજ શાળાના ૬૨ માં વર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત સરકારના રાજ્ય સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ, ઉચ્ચ શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.શિક્ષણમંત્રીશ્રીએ વર્ષ 2022-23 માટે વિવિધ શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર કેડેટ્સને ઈનામો, ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. અને સ્ટાફ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની પ્રશંસા કરી તમામને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કેડેટ્સમાં સર્વગ્રાહી વ્યક્તિત્વ વિકસાવવા માટે જરૂરી ગુણો આત્મસાત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો અને તેમને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે નિષ્ઠાવાન, સત્યવાદી, શિસ્તબદ્ધ અને સમર્પિત બનવા માટે પ્રેરિત કર્યા હતા. તેમજ એનઈપી અને ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ પર વાત કરી અને કેડેટ્સની શિસ્તની પણ પ્રશંસા કરી હતી. આ પ્રસંગે શિવાજી હાઉસના કેડેટ મેઘરાજ ગોહિલ દ્વારા ચીફ ગેસ્ટ પરનું પોટ્રેટ મુખ્ય મહેમાનને અર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આચાર્યશ્રી કર્નલ શ્રેયશ મહેતાએ શાળાનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો જેમાં અગ્રણી સિદ્ધિઓ અને અધિકારીઓ તરીકે સંરક્ષણ દળોમાં પ્રવેશ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાના શાળાના મિશનને પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે શાળા વહીવટીતંત્ર હાલની સિસ્ટમમાં નવીનતાઓ દાખલ કરીને ધોરણોને સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે જેમ કે બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવું, નવી શિક્ષણ પદ્ધતિ અપનાવવી અને હાલની સુવિધાઓ અપડેટ કરવી.કાર્યક્રમમાં કેડેટ્સે આપણા જીવનમાં પાણીના મહત્વને ઉજાગર કરવા પર માઇમ, પ્રેરક સમૂહ ગીત, ભારતીય સંસ્કૃતિ પર હિન્દી સ્કીટ, ગરબા અને સંગીત પર દેશભક્તિ નૃત્ય ‘સારે જહાં સે અચ્છા હિંદુસ્તાન હમારા’ના રૂપમાં તેમના અસાધારણ પ્રદર્શનથી શ્રોતાઓના દિલ જીતી લીધા હતા. આનાથી માતા-પિતાને ખાતરી મળે છે કે તેમના વોર્ડ તેમની પ્રતિભા અને હસ્તગત કૌશલ્યોથી જીવનના દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ બની શકે છે.ટાગોર હાઉસના કેડેટ હેત પટેલને ધોરણ XII માં ભૌતિકશાસ્ત્રમાં સૌથી વધુ ગુણ મેળવવા બદલ પ્રમાણપત્ર, રોકડ પુરસ્કાર અને રોલિંગ ટ્રોફી, પ્રતાપ હાઉસના કેડેટ યોગીરાજસિંહ ગોહિલને ધોરણ Xll માં ગણિત અને જીવવિજ્ઞાનમાં સૌથી વધુ ગુણ મેળવવા બદલ પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.કોમ્પ્યુટર સાયન્સ વર્ગ XII માં શિવાજી હાઉસના કેડેટ અબ્દુલ્લા મુફદલભાઈ લક્ષ્મીધર અને સરદાર પટેલ હાઉસના કેડેટ અનિરુદ્ધ ગોહિલ દ્વારા ઈનામ એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે ટાગોર હાઉસના કેડેટ ચેતન સરવૈયા અને કેડેટ મનન સિંઘલાને ધોરણ XII માં અનુક્રમે અંગ્રેજી અને રસાયણશાસ્ત્રમાં સૌથી વધુ ગુણ મેળવવા બદલ પ્રમાણપત્ર, રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ઓલ રાઉન્ડ પરફોર્મર હાઉસ માટે સૌથી પ્રખ્યાત 'કોક હાઉસ ટ્રોફી' પ્રતાપ હાઉસ દ્વારા અને બેસ્ટ ઓલ રાઉન્ડ હોલ્ડિંગ હાઉસ નેહરુ હાઉસ દ્વારા જીતવામાં આવી હતી. શ્રેષ્ઠ એનડીએ કેડેટ માટે ‘શહીદ કેપ્ટન નિલેશ સોની મેડલ’ પ્રતાપ હાઉસના કેડેટ યોગીરાજસિંહ ગોહિલને એનાયત કરવામાં આવ્યો હતો, તેમની સિદ્ધિ બદલ ઓબીએસએસ એ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા તેમને રૂપિયા પચીસ હજારના રોકડ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કેડેટ નવીન કુમાર, સરદાર પટેલ હાઉસના કેડેટ આદિત્ય કુમાર અને અહિલ્યાબાઈ હાઉસના કેડેટ જિયા દોશીને અનુક્રમે સિનિયર, જુનિયર અને ગર્લ્સ કેટેગરીમાં વર્ષના 'શ્રેષ્ઠ ઓલ રાઉન્ડ કેડેટ' તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. પ્રતાપ હાઉસના કેડેટ અભિષેક કુમાર અને સરદાર પટેલ હાઉસના કેડેટ લેખ વશિષ્ઠને અનુક્રમે ‘બેસ્ટ એથ્લેટ ઓફ ધ યર’ અને ‘બેસ્ટ ઇન આર્ટ’ તરીકે જાહેર કરાયા હતા. આ પ્રસંગે, મુખ્ય મહેમાન દ્વારા ‘દિશા’ થીમ પર આધારિત શાળા મેગેઝિન ‘સંદેશક 2022-23’ના ડિજિટલ સંસ્કરણનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓબીએસએસએના સભ્યો, વાલીઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.