જામનગર તા.06 નવેમ્બર, જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કાર્યરત 181 અભયમ હેલ્પલાઈન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરુપ સાબિત થઈ રહી છે. જામનગર શહેરમાંં એક વૃદ્ધા સવારથી પેટ્રોલ પંપ પાસે એકલા બેઠા હતા. જેથી કોઈ જાગૃત નાગરિકનું તેણી પ્રત્યે ધ્યાન જતા તેમણે 181 મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને જાણ કરી હતી. જાગૃત નાગરિક દ્વારા વૃદ્ધાને પૂછતા તેણીએ કોઈ જવાબ આપેલ નહીં, તેમજ પોતાનું નામ-સરનામું જણાવ્યું ના હતું. 

આ સમાચાર મળ્યા બાદ જામનગર 181 અભયમની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ ઈલાબા ઝાલા અને પાયલોટ સુરજીતસિંહ વાઘેલા દ્વારા સ્થળ પર પહોંચીને વૃદ્ધાને આશ્વાસન આપ્યું હતું, અને તેમનો વિશ્વાસ જીતીને તેમનું નામ-સરનામું જાણવાની કોશિશ કરેલ. પીડિતાની માનસિક સ્થિતિ ઠીક ના હોય, તેથી તેમને કશું યાદ ન હતું. વૃદ્ધાને વારંવાર પૂછવાથી તેમણે જણાવ્યું હતું કે, તેઓ વાવડી ગામના છે, અને મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને હમણાં તેમનો દીકરો અને પતિ લેવા આવાના છે. તેથી તેમની રાહ જોવે છે.

 

આ માહિતી મળ્યા બાદ અભયમ ટીમ દ્વારા આ મહિલાનો ફોટો પાડીને સોશિયલ મીડિયાની મદદથી તપાસ કરવામાં આવતા પીડિતાના કોઈ દૂરના સંબંધીએ ફોન કરીને જણાવ્યું હતું કે, તેઓ વૃદ્ધાને ઓળખે છે, અને તેણી નાની વાવડી ગામના વતની છે. તેમના લગ્ન જામનગરમાં થયેલા છે. વૃદ્ધાના દીકરીનો ફોન નંબર તેમની પાસેથી મેળવીને તેમની દીકરી સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, સવારના વૃદ્ધ ઘરેથી નીકળી ગયા છે. તેમની માનસિક પરિસ્થિતિ ઠીક ના હોવાથી તેમને કશું યાદ રહેતું ન હોય તેથી તેઓ હજુ સુધી ઘરે આવ્યા નથી. તેથી પરિવારજનોએ આજુ-બાજુમાં તપાસ કરેલી, પણ કોઈ માહિતી મળેલી નથી. તેથી પુરી વાત જાણીને વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરીને વૃદ્ધાને તેમની દીકરીના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું. તેમજ બીજી વાર આવો બનાવ ના બને તેનું ધ્યાન રાખવા અને એકલા તેમને ઘરેથી બહાર ના જવા દેવાની સૂચના આપી હતી. 78 વર્ષના વૃદ્ધાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું, તે બદલ તેણીના પરિવાર દ્વારા 181 અભયમ ટીમનો ખુબ-ખુબ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.