- સેવાભાવી કાર્યકર વનરાજસિંહ વાઢેર દ્વારા લોકોને જાહેર અપીલ -
હાલ દીપોત્સવી પર્વના દિવસો ચાલી રહ્યા છે. જેમાં લોકો ગૃહ ઉપયોગી તેમજ ખાણીપીણી, ઇલેક્ટ્રોનિક્સ વિગેરે ચીજ વસ્તુઓની વ્યાપક ખરીદી કરી રહ્યા છે. ત્યારે આ ખરીદી સ્થાનિક વેપારીઓ પાસેથી કરવામાં આવ્યો અને આ સાથે સંકળાયેલા તમામ લોકોને ઉત્તેજન મળી રહે તે માટે અહીંના અગ્રણી સેવાભાવી કાર્યકર વનરાજસિંહ વાઢેર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવા ભાજપના અધ્યક્ષ અને અનેકવિધ સેવાકીય પ્રવુતિ કરતી સંસ્થા સાથે જોડાયેલા વનરાજસિંહ વાઢેર દ્વારા જિલ્લાના યુવાનો, વડીલો, ભાઈઓ તથા બહેનોને કરવામાં આવેલી જાહેર અપીલમાં જણાવ્યું છે કે દિવાળી નિમિતે દરેક લોકો પોતાને ખરીદવાની થતી કોઈપણ ચીજ વસ્તુની ખરીદી પોતાની નજીક અને પોતાના ગામમાં આવેલા વેપારી પાસેથી કરી સ્થાનિક કક્ષાએ વેપાર વિકાસમાં સહભાગી બને.
હાલ વ્યાપક પ્રમાણમાં ચાલી રહેલા ઓનલાઈન શોપિંગના ક્રેઝને ત્યજીને ઓનલાઈન શોપિંગ મારફતે વિદેશી કંપનીઓને નફો કરાવી અને આપણા નાના વેપારીઓને ત્યાંથી ખરીદી ના કરવાથી દેશની પ્રગતિ રૂંધાઇ શકે છે. કોરોના જેવા કઠિન સમયમાં કોઈ વિદેશી કંપની અથવા ઓનલાઈન શોપિંગ કંપની લોકોને મદદરૂપ થઈ ન હતી. ત્યારે આજુબાજુના સ્થાનિક, નાના દુકાનદારો અને વેપારીઓ જ સૌને કામ આવ્યા હતા. આ કપરા સમયે કામ આવનાર વેપારીઓને ભૂલીને આપણે ઓનલાઇન ખરીદી કરશું તો આ નાના વેપારી અને દુકાનદારોની દિવાળી બગડશે.
આ પરિસ્થિતિને ધ્યાને લઈ, દરેક દરેક લોકો પોતાની આજુબાજુના દુકાનદારો અને નાના- મોટા વેપારીઓ પાસેથી ચીજ વસ્તુઓ લેવાથી તેમની પણ દિવાળી સુધરશે અને દેશના વિકાસમાં આપણે સહભાગી બનવાનો સંતોષ થશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલા "વોકલ ફોર લોકલ"નાં સૂત્રને આગળ વધારવામાં સહભાગી બની અને સ્વદેશી ચીજ વસ્તુ અપનાવીને આપણું નાણું આ દેશમાં જ રહે એવા વિચારથી યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર દ્વારા ઇલેક્ટ્રિક સાધનો, મોબાઈલ, કપડાં, ગિફ્ટ, મીઠાઈ, દીવા, કલર વિગેરે જેવી ચીજ વસ્તુઓની ખરીદી સ્થાનિક કક્ષાએ કરવા માટે અપીલ કરાઈ છે.
0 Comments
Post a Comment