• હુમલામાં છરી છાતીમાં ફસાઈ: ૧૦૮ની ટિમ અને હાપા રેલવે પોલીસની ટીમ દોડતી થઈ

જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના હાપા રેલવે સ્ટેશન પર બાંકડા પર સુતેલા એક યુવાન પર કોઈ અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરી દેતાં ભારે દોડધામ થઈ હતી. આ સમયે દેકારો થવાથી હુમલાખોરો પલાયન થયા હતા, અને છરી છાતીમાં ખુંપેલી અવસ્થામાં જ હતી. ૧૦૮ની ટુકડી એ ઘટના સ્થળે પહોંચી જઇ યુવાનને તાત્કાલિક અસરથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવ બાદ રેલવેનું પોલીસ તંત્ર દોડતું થયું છે.

આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામનગરના હાપા રેલવે સ્ટેશન પર એક બાંકડા પર સૂઈ રહેલા કનૈયાલાલ નામના ૩૫ થી ૪૦ વર્ષની વયના એક યુવાન પર હુમલો કરાયો હતો. જે યુવક નિંદ્રાધિન અવસ્થામાં જ હતો ત્યારે કોઈ શખ્સોએ આવી અને તેના છાતિના ભાગે છરીનો ઘા જીકી દીધો હતો, જેથી ભારે દેકારો થયો હતો, અને હુમલાખોર ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

જે હુમલામાં છરી છાતીમાં ખૂપેલી અવસ્થામાં જ હતી, દરમિયાન ૧૦૮ની ટુકડીને જાણ કરવામાં આવી હતી, અને ૧૦૮ની ટીમના પાયલોટ સહદેવસિંહ સોઢા અને જયદીપભાઇ આહીર પહોંચી ગયા હતા, અને ઇજાગ્રસ્ત ને તાત્કાલિક અસરથી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો છે. આ બનાવ પછી હાપાનું રેલવે તંત્ર દોડતું થયું છે, અને હુમલાખોરોને પકડવા માટેની કવાયત શરૂ કરી છે.