જામનગર શહેરમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલી બે મહિલાઓ સહિત ત્રણ શખ્સોને એલસીબીએ ઝડપી લીધા

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં રાજપાર્કના ઢાળિયા પાસેથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલી બે મહિલા અને એક પુરુષ સહિત ત્રણ આરોપીઓની એલસીબીની ટીમે અટકાયત કરીને તેઓ પાસેથી ૨૫૦ નંગ ઈંગ્લીશ દારૂની નાની બાટલીનો જથ્થો કબજે કર્યો છે.

આ દરોડાની વિગત એવી છે કે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરના રાજપાર્ક વિસ્તારમાં પ્રથમ ઢાળિયા પાસે કેટલાક સ્ત્રી પુરુષો એકત્ર થઈને ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહ્યા છે. જે બાતમીના આધારે રાજપાર્કના ઢાળિયા પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન બે મહિલા અને એક પુરુષ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં પોલીસે તેઓના નામ પૂછ્યા હતા. જેમાં એક મહિલાએ પોતાનું નામ શીલાબેન ફ્રાન્સિસ સ્વામી અને બીજી મહીલાએ પોતાનું નામ ભગવતીબેન વિજયભાઈ સ્વામી, અને તેમની સાથે જ રહેલા અન્ય એક શખ્સ કે જેકણે પોતાનું નામ ઉમેશ મૂળજીભાઈ રાઠોડ હોવાનું જણાવ્યું હતું. 

પોલીસ દ્વારા ત્રણેયની તલાસી  લેવામાં આવતાં તેઓ પાસેથી ૨૫૦ નંગ (નાની ઇંગ્લિશ દારૂની બાટલી) ચપટા મળી આવ્યા હતા. જેથી પોલીસ દ્વારા બે મહિલાઓ પાસેથી ઇંગ્લિશ દારૂનો જથ્થો અને  બે નંગ મોબાઈલ ફોન વગેરે કબજે કરી લીધા છે, અને ત્રણેય સામે દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.