- રાત્રિના દસ વાગ્યે ટોલ ટેક્સ ભરવાના મુદ્દે ઝીંઝુડા ગામના પિતા પુત્ર સહિત ત્રણની ટોલટેક્સ મુદ્દે બબાલ : ત્રણેય આરોપીઓ સામે બૂમ બેરીયર તોડી નાખી પબ્લિક મિલકતને નુકસાન પહોંચાડ્યાની ફરિયાદ
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણાં ગામ પાસે સોમવારે રાત્રે ૮.૦૦ વાગ્યે ટોલનાકુ શરૂ થયું હતું, જેના માત્ર બે કલાકમાં જ બબાલ થઈ છે. ઝીંઝુડા ગામના પિતા પુત્ર સહિતના ત્રણ આરોપીઓએ કારમાં આવીને ટોલટેક્સ ભરવાના મુદ્દે તકરાર કર્યા પછી ટેક્સ નહીં ભરી બુમ બેરીયર તોડી નાખી પબ્લિક પ્રોપર્ટી સહિતની મિલકતને નુકસાન પહોંચાડયાની ફરિયાદ જોડિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકાના તારાણા ગામ પાસે સોમવારે રાત્રિના આઠ વાગ્યાથી ટોલનાકુ શરૂ કરાયું હતું, અને ટોલટેક્સ ઉઘરાવવાનું શરૂ કરાયું હતું. ત્યાં જુનાગઢ જિલ્લાના કેશોદ ગામના મિલનભાઈ પરબતભાઈ વાઢિયા દ્વારા ટોલટેક્સ ઉઘરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી હતી. જે દરમિયાન ઝીંઝુડા ગામના વતની મેમૂદ સીદીકભાઈ દલ, ઈકબાલ સીદીકભાઈ દલ અને સીદિકભાઈ જાકુબભાઈ દલ કે જેઓ જીજે ૧૦ સીએન ૭૫૮૬ નંબરની કાર લઈને ત્યાંથી પસાર થયા હતા, અને રાત્રિના દસેક વાગ્યાના અરસામાં ટોલ ટેક્સ ભરવા બાબતે કર્મચારી સાથે બબાલ કરી હતી.
ત્યારબાદ તેઓએ ટોલનાકાના સ્ટાફને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, અને હજી રોડનું કામ પૂરું નથી થયું ત્યાં જ ટોલટેક્સ શું કામ ઉઘરાવો છો, તેમ કહી બુમબરાડા પાડીને ધમાલ મચાવી હતી. ત્યારબાદ ટોલટેક્સ ભર્યા વિના ટોલનાકાની બૂમ બેરિયર ને તોડી નાખી ૨૮,૦૦૦ નું નુકસાન પહોંચાડ્યું હતું. સમગ્ર મામલો જોડીયા પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસે મિલનભાઈ વાઢીયાની ફરિયાદના આધારે સીદીકભાઈ અને તેના બે પુત્રો સામે આઇપીસી કલમ ૫૦૪, ૫૦૬-૨, ૪૨૭, ૧૧૪ તેમજ પ્રાઇવેટ ઓફ ધ ડેમજ પબ્લિક પ્રોપર્ટી એક્ટ ૧૯૮૪ની કલમ ૩ મુજબ ગુનો નોંધ્યો હતો, અને ત્રણેય આરોપીઓની અટકાયત કરી લઇ કાર પણ કબજે કરી લીધી છે.
0 Comments
Post a Comment