જામનગરના ભારતવાસ રહેતા વૃદ્ધ દંપત્તિ પર ફટાકડા ફોડવાના પ્રશ્ને ત્રણ પાડોશીઓનો હુમલો: કાલાવડમાં રહેતી વિપ્ર મહિલા પર ફટાકડા ફોડવાના પ્રશ્ને પાડોશી શખ્સે હુમલો કર્યાની પોલીસ ફરિયાદ 

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાં ફટાકડા ફોડવાના પ્રશ્નને મારામારીનો એક કિસ્સો બન્યો છે, જ્યારે કાલાવડમાં પણ ફટાકડા ફોડવાના પ્રશ્ન એક મહિલાને તેના ભાઈ પર હુમલો કરાયા ની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

ફટાકડા ફોડવાના કારણે તકરારનો પ્રથમ કિસ્સો જામનગરમાં ભારતવાસ વિસ્તારમાં બન્યો હતો. જયાં શેરી નંબર સાતમાં રહેતા હમીરભાઈ ચનાભાઈ મકવાણા નામના ૬૮ વર્ષના બુઝુર્ગે પોતાના ઉપર તેમજ પોતાની પત્ની ઉપર છરી અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા હરીશ લખુભાઈ ખાણીયા, રાજેશ હરીશભાઈ ખાણીયા, તેમજ ચિરાગ હરીશભાઈ ખાણીયા નામના પિતા પુત્રો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી બુઝુર્ગનો પૌત્ર ફટાકડા ફોડતો હોવાથી પાડોશી એ તેને ઝાપટ મારી દીધી હતી, તેથી બાળકને મારવા અંગે પાડોશીને સમજાવવા જતાં ઉસકેરાઈ ગયા હતા, અને ત્રણેય શખ્સોએ વૃદ્ધ દંપતી પર હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.

બીજો બનાવ કાલાવડમાં વૃંદાવન ડેરી સામે સિનેમા રોડ પર બન્યો હતો. ત્યાં રહેતી ફાલ્ગુનીબેન હિંમતલાલ ભટ્ટ નામની મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ ઉપર યોગેશભાઈ પર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશી હાર્દિક હરેશભાઈ ત્રિવેદી સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણીને આંખ ઉપર ઈજા થઈ હોવાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, અને પાંચ ટાંકા લેવા પડ્યા છે. ફટાકડા ફોડવાના પ્રશ્ને બંને પરિવારો વચ્ચે તકરાર થઈ હતી. સમગ્ર મામલે કાલાવડ ટાઉન પોલીસ વધુ તપાસ ચલાવે છે.