'આ લાકડાનો ધોકો કોઈનો સગો નહીં થાય':તમારા ટાંટિયા ભાંગી નાખીશ તેમ કહી ગાળો આપતાં  ફરિયાદ નોંધાવાઈ

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મચ્છુ બેરાજા ગામમાં વીજ ચેકિંગ કરવા માટે ગયેલી ટુકડીને ધાક ધમકી અપાઇ છે. એક ખેડૂતે પોતાની વાડીમાં લીધેલું ગેરકાયદે વીજ કનેક્શન કાપી રહેલી વિજ ટુકડીને લાકડાનો ધોકો બતાવી, આ ધોકો તમારો સગો નહીં થાય, અને વિજ જોડાણ કટ કર્યું છે તો તમારા ટાટિયા ભાંગી નાખીશ, તેમ કહી ગાળો ભાંડી હોવાથી આખરે લાલપુર પોલીસ મથકમાં ખેડૂત સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના લાલપુરમાં રહેતા અને લાલપુર પીજીવીસીએલની કચેરીમાં જુનિયર ઈજનેર તરીકે ફરજ બજાવતા કિશનભાઇ મુકેશભાઈ ચનીયારાએ લાલપુર પોલીસ મથકમાં પોતાની સાથેની ચેકિંગ ટુકડીને લાકડાનો ધોકો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો ભાંડી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ મચ્છુ બેરાજા ગામના દિલીપભાઈ રણછોડભાઈ રાઠોડ સામે નોંધાવી છે.

ફરિયાદી જુનિયર ઈજનેર કિશનભાઇ ચનીયારા પોતાની સાથે ના અન્ય વીજ કર્મચારીઓ બાબુભાઈ હમીરભાઇ ઢચા તેમજ અજયભાઈ પરબતભાઈ છેતરીયા સાથે ચેકિંગ કરવા માટે ગયા હતા, જે દરમિયાન આરોપી દિલીપભાઈ ની વાડીમાં ગેરકાયદેવી જોડાણ જોવા મળ્યું હતું. તેથી તેઓ વિજ જોડાણ કટ કરીને બુસ્ટર- કેપેસીટર વગેરે ઉતારતા હતા, જે દરમિયાન આરોપી ધોકા સાથે ધસી આવ્યો હતો, અને આ ધોકો તમારો સગો નહીં થાય અહીંથી ચાલ્યો જાવ, નહીંતર તમારા ટાંટિયા ભાંગી નાખીશ તેવી ધમકી ઉચ્ચારી હોવાથી આખરે મામલો લાલપુર પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

જે ફરિયાદના અનુસંધાને લાલપુર પોલીસે આઇપીસી કલમ ૧૮૬, ૫૦૪, ૫૦૬-૨ તથા જીપીએક્ટ કલમ ૧૩૫-૧ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને આરોપીની ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.