• જુગારના બે દરોડામાં આઠ મહિલા સહિત ૧૪ શખ્સની રૂા. ૪૬ હજાર સાથે અટકાયત

જામનગર મોર્નિંગ - જામનગર : જામનગર શહેરમાં મહિલા સંચાલિત જુગારનો અખાડો ઝડપાયો છે, તેમજ નાઘેડી વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી બન્ને દરોડામાં ૮ મહિલા સહિત ૧૪ શખ્સને પકડી પાડયા છે. જેઓ પાસેથી રોકડ રૂા. ૪૬,૦૦૦ કબ્જે કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં આવેલ પાણાખાણની શેરી નંબર પમાં લહેરી પાનવાળી ગલીમાં રહેતાં ગીતાબેન જેરામભાઈ પરમાર નામની મહિલા પોતાના રહેણાંક મકાનમાં જુગારનો અખાડો ચલાવી રહી છે તેવી બાતમી પોલીસને મળી હતી. જેથી સ્થળ પર જઈ પોલીસે દરોડો પાડતાં જુગાર રમી રહેલા મકાનમાલિક ગીતાબેન જેરામભાઈ પરમાર, પૂજાબેન રતિલાલ પરમાર, મંજુબેન લાલજીભાઈ રાણાવાડિયા, રેખાબેન યોગેશભાઈ ઘેડા, શિતલબા કારૂભા પીંગળ, પૂનમબેન જિતુભા જાડેજા, કમુબેન રમેશભાઈ ગોરણિયા તેમજ અફસાનાબેન ફકીરમામદ મંદરા સહિત કુલ આઠ મહિલાઓને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. ૩૦,૩ર૦ કબ્જે કર્યા હતા.
આ ઉપરાંત જામનગર તાલુકાના નાઘેડી ગામે આલબાઈ હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા રણમલભાઈ દેવાભાઈ સિંધિયા, કારૂભાઈ સિદાભાઈ જામ, ખીમાણંદ માલદેભાઈ સિંધિયા, રમેશ એભાભાઈ માડમ, ધનાભાઈ કરશનભાઈ લુણા અને મેઘાભાઈ ભારાભાઈ ખીમાણી સહિત છ શખ્સોની ધરપકડ કરી તેઓ પાસેથી રોકડ રૂપિયા ૧પ,૭૩૦ કબ્જે કર્યા હતા.