જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર નજીક હાપામાં રહેતા અને પ્રોવિઝન સ્ટોર ચલાવતા એક વેપારી યુવાને પોતાની પત્ની સાથેના વારંવારના ઝઘડા થી કંટાળી જઈ ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર જાગી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક હાપામાં ક્રિષ્ના ટાઉનશીપ સામે આલાપ બંગલોઝમાં રહેતા અને ગોકુલ નગર વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોર ચલાવતા અનિલ શાંતિલાલ મકવાણા નામના ૩૦ વર્ષના વેપારી યુવાને મંગળવારે સાંજે સાંઢીયા પુલની પાછળની રેલ્વે ટ્રેક પર ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લીધી છે.

આ બનાવ અંગે મૃતકના પિતા શાંતિલાલ નરસીભાઇ મકવાણાએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવાનને તેની પત્ની સેજલબેન સાથે છેલ્લા કેટલાક સમયથી નાની-નાની બાબતોમાં મન મોટાવ રહેતો હતો, અને પત્ની રાજકોટમાં રહેતા તેણીના પિતા ને અવાર નવાર ફોન કરી મરી જવાની વાતો કરતી હતી. જેથી તેને મનમાં લાગી આવતાં તેણે મંગળવારે રાત્રે રેલવે ટ્રેક પર પહોંચી જઈ ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લીધી છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.