એક રહેણાક મકાન: એક ભંગારનો વાડો: એક એપાર્ટમેન્ટમાં કબૂતરની જાળી તથા કચરાના ઢગલામાં લાગેલી આગને ફાયરે બુઝાવી
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેરમાં દેવ દિવાળીની રાત્રે ફટાકડાના કારણે આગજનીની ચાર ઘટના બની હતી. તમામ સ્થળોએ ફાયરની ટીમે પહોંચી જઈ સમયસર આગને કાબુમાં લઈ લીધી હતી જ્યારે કોઈ જાનહાનિ ના અહેવાલ મળ્યા નથી.
જામનગરમાં ગઈ રાતે દેવ દિવાળીની ઉજવણી દરમિયાન કેટલાક લોકો દ્વારા આતશબાજી કરવામાં આવી હતી, જેમાં ગઈ રાત્રે ભારતની ઓસ્ટ્રેલિયા સામેની ક્રિકેટ મેચમાં જીત પછી મોટી સંખ્યામાં ફટાકડા ફૂટવા માંડ્યા હતા. જેમાં ફટાકડા ના કારણે સૌપ્રથમ આગનો બનાવ જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કુલ પાસે બન્યો હતો. ત્યાં આવેલા શ્રી મેટલ નામના ભંરગારના વાડામાં ફટાકડાનો તણખો પડવાના કારણે પ્લાસ્ટિક-ડબલા-લાકડાના ટુકડા સહિતનો જથ્થો સળગવા લાગ્યો હતો, અને આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવની જાણ થવાથી ફાયર બ્રિગેડની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને પાણીના બે ટેન્કરો વડે પાણી નો મારો ચલાવી એક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લઈ લીધી હતી.
આગનો બીજો બનાવ જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં બન્યો હતો. જ્યાં શેરી નંબર સાતમાં બંધ પડેલા એક મકાનમાં સળગતો ફટાકડો પડવાના કારણે આગ લાગી હતી, અને મકાનમાં પડેલો ભંગારનો જથ્થો વગેરે સળગવા લાગ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચી જઈ આગને કાબુમાં લઈ લીધી હતી.
આગજનીનો ત્રીજો બનાવ જામનગરમાં સ્વસ્તિક સોસાયટી વિસ્તારમાં આવેલા આસોપાલવ એપાર્ટમેન્ટમાં બન્યો હતો. જ્યાં કબૂતરોથી બચવા માટેની ઝાળી ફીટ કરવામાં આવી છે, જે નાયલોનની જાળીમાં સળગતો ફટાકડો પડવાના કારણે જાળી સળગી હતી. જેથી ફ્લેટધારકોમાં દોડધામ થઈ હતી. આ બનાવ અંગે ફાયર શાખાને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડીએ દોડી જઈ આગ બુજાવી દીધી હતી, જ્યારે કબૂતરની જાળી બળીને ખાખ થઈ હતી.
આગનો ચોથો બનાવ જામનગરની આઈટીના પાસેના ખુલ્લા પ્લોટમાં બન્યો હતો. જયાં કચરાના ઢગલામાં સળગતો ફટાકડો પડવાના કારણે આગ લાગી ગઈ હતી, અને આગની જવાળાઓ આસપાસ દેખાતી હતી. જે બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયરની ટીમે પાણીના એક ટેન્કર વડે આગને કાબુમાં લઈ લીધી હતી. તમામ સ્થળોએ કોઈ જાનહાનિના અહેવાલો મળ્યા નથી.
0 Comments
Post a Comment