જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા દ્વારા)
ખંભાળિયાના ટેલિફોન એક્સચેન્જની સામેના ભાગે હાલ રહેતી અને દરજી ભીમજીભાઈ કરસનભાઈ જેઠવાની 30 વર્ષની પરિણીત પુત્રી સરોજબેન રસિકભાઈ કાનજીભાઈ ડોડીયાના લગ્ન આજથી આશરે 12 પૂર્વે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને હાલ 11 વર્ષનો પુત્ર છે.
આજથી આશરે બે વર્ષ પૂર્વે કોરોના કાળ દરમિયાન સરોજબેનના પતિ રસિકભાઈ અવસાન પામ્યા હતા. ત્યાર બાદ તેણીએ રોહિતભાઈ જયંતીભાઈ સોનગરા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ સંયુક્ત કુટુંબમાં રહેતા સરોજબેનના પતિ રોહિતે એકાદ વર્ષમાં મનમેળ ન થતા છૂટાછેડા લઈ લીધા હતા અને ત્યારબાદ રોહિતે ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો.
આ પછી સરોજબેનને રોહિતના ભાઈ મહેશ જયંતીભાઈ સોનગરા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ બંને વચ્ચે એકાદ મહિનો પ્રેમ સંબંધ રહ્યા બાદ બન્ને વચ્ચે નાની-નાની વાતમાં ઝઘડા થતા હોવાથી રાજીખુશીથી બંને અલગ થઈ ગયા હતા.
બંને અલગ થયા બાદ મહેશ દ્વારા સરોજબેનને તેણી સાથે ફરીથી પ્રેમ સંબંધ રાખવા માટે કહેતા તેણીએ ના પાડી દીધી હતી. પરંતુ દેર મહેશ અવારનવાર તેના ભાભી સરોજબેનને દબાણ કરતો હોવા ઉપરાંત ફોન કરીને બિભત્સ ગાળો કાઢી, તેણીના ઘરે આવીને હેરાન પરેશાન કરી અને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો.
પરંતુ સરોજબેન હવે ત્રીજા લગ્ન કરવા માંગતા ન હોવાથી મહેશને ના પાડી દીધી હતી. આથી મહેશ દ્વારા તેમના અંગત ફોટા મોબાઈલ ફોનમાં મોકલીને વાયરલ કરવાની ધમકી આપી, જો તે લગ્ન નહીં કરે તો તેણીને તથા તેણીના દીકરાને મારી નાખવાની ધમકી પણ આપી હોવાની ફરિયાદ સરોજબેને અહીંના પોલીસ મથકમાં નોંધાવી છે.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે આરોપી મહેશ જયંતીભાઈ સોનગરા (રહે. ગુંદમોરા વાડી વિસ્તાર) સામે આઈપીસી કલમ 323, 504 તથા 506 (2) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ આર.જે. હુણ દ્વારા હાથ ધરવામાં આવી છે.
0 Comments
Post a Comment