જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા વિશેષ ટ્રાફિક ડ્રાઈવ સાથેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૨ વાહનો ડિટેઇન કરાયા છે, જ્યારે ૧૫ વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામનગર શહેરમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવાના ભાગરૂપે તેમજ ટ્રાફિક નિયમન જળવાયેલું રહે, તેની તકેદારીના ભાગરૂપે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વિશેષ ટ્રાફિક રાખવામાં આવી હતી. જ્યારે ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરનાર અને પાન ના ગલ્લાઓ સહિત જાહેર જગ્યાઓ પર બિનજરૂરી બેસનારઓ સામે જામનગર સિટી-એ ડિવિઝન પોલીસે લાલ આંખ કરી છે.

જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડના પીએસઆઇ બી.એસ. વાળા દ્વારા તેમજ પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા જામનગર શહેરના પાંચ હાટડી વિસ્તાર, કાલાવડ નાકા બહારનો વિસ્તાર અને મોટાપીર ચોક વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઇવ સાથે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

જે ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા ૧૨ વ્યક્તિઓ સામે પગલાં લેવાયા હતા, અને તેઓના ૧૨ બાઇક ડિટેઇન કરી લેવાયા હતા. આ ઉપરાંત ટ્રાફિક નિયમનનું પાલન નહીં કરનારા અન્ય ૧૫ વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી, અને તેઓ પાસેથી હાજર દંડ વસૂલી લેવાયો હતો. પોલીસની આ કાર્યવાહીને લઈને ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા તત્વોમાં ફફડાટ મચી ગયો હતો.