જામનગરની ખોડિયાર કોલોની પોલીસચોકીમાં હેડ કોન્સ્ટેબલની ફરજ બજાવતા કલ્પેશ ગઢવીએ થોડા દિવસ પહેલા એક યુવકને દારૂબંધી ભંગના ગુનામાં પકડી પાડ્યા પછી તેની પાસેથી રૂ.૩૦ હજારની લાંચ માગી તેમાંથી રૂ.૮ હજાર મેળવી લીધા પછી બાકીના રૂ. રર હજારની ઉઘરાણી કરાતી હોવાની ફરિયાદ સોમવારે તે યુવકના સંબંધીએ જામનગરની લાંચ રુશવત વિરોધી શાખામાં નોંધાવી હતી. તે ફરિયાદના પગલે ખોડિયાર કોલોની પોલીસ ચોકી નજીક એસીબીનો સ્ટાફ વોચમાં ગોઠવાયો હતો અને ફરિયાદીને પૂરતી સમજ આપી પાવડર વાળી નોટો સાથે રવાના કરાયો હતો. આ વ્યક્તિએ કલ્પેશ ગઢવી વતી લાંચ લેવા આવેલા હોમગાર્ડઝના જવાન હરપાલસિંહ જાડેજાને રૂ. રર હજાર સોંપતા જ એસીબી સ્ટાફ પ્રગટ્યો હતો અને આ શખ્સની અટકાયત કરી હતી. ત્યારપછી કલ્પેશ ગઢવીની શોધખોળ કરવામાં આવી છે. જમાદાર તથા હોમગાર્ડ જવાન સામે વિધિવત ગુન્હો નોંધાયા પછી હરપાલસિંહની ધરપકડ કરાઈ હતી. આ આરોપીને મંગળવારે સાંજે રિમાન્ડની માગણી સાથે એસીબી સ્ટાફે અદાલતમાં રજૂ કરતા ગઈકાલ સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.