એલસીબી, એસઓજી પોલીસે દેવળીયા ચોકી પાસેથી રાત્રિના સમયે જ આરોપીઓને દબોચી લીધા

જામનગર મોર્નિંગ - ખંભાળિયા

ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રાત્રિના સમયે પેટ્રોલિંગમાં રહેલા પોલીસ સ્ટાફને અવગણી અને પોલીસ કર્મીઓ પર વાહન ચડાવી, હત્યા નીપજાવવાના પ્રયાસ બાદ નાસી છૂટેલા આરોપીઓને પોલીસે ખંભાળિયા નજીકના દેવળીયા ચોકી નજીકથી રાત્રિના સમયે ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓ બંદરી ગેંગના રીઢા ગુનેગાર હોવાનું પણ ખુલવા પામ્યું છે.

સમગ્ર જિલ્લા તથા ખાસ કરીને પોલીસ બેડામાં ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત મુજબ શનિવારે મધ્યરાત્રિના સવા ત્રણેક વાગ્યાના સમયે મીઠાપુર પોલીસ મથકના કર્મચારીઓના નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ચાલી રહેલી વાહન ચેકિંગ અંગેની કાર્યવાહી દરમિયાન સફેદ કલરની નંબર વગરની એક બોલેરો કેમ્પર વાહન આરંભડા વિસ્તારમાંથી નીકળતા તે ચેકિંગ અર્થે પોલીસ દ્વારા ઊભું રાખવા માટે હાથ તથા લાકડી વડે ઇશારો કરવામાં આવ્યો હતો. પરંતુ આ બોલેરો કેમ્પરના ચાલક તથા તેમાં રહેલા શખ્સો દ્વારા પોલીસ ઉપર વાહન નાખતા પોલીસ કર્મચારીઓએ મહા મહેનતે પોતાનો જીવ બચાવી અને એક બાજુ કૂદી ગયા પછી બોલેરો કેમ્પર વાહનના ચાલકે મીઠાપુર પોલીસના વાહનને ટક્કર મારી, નુકસાની પહોંચાડી, આ શખ્સોએ પોલીસ ઉપર લાકડી તથા પાઇપ ઉગામી અને પથ્થર ફેંકીને નાસી છૂટ્યા હતા.
પરંતુ પોલીસે આ વાહનો પીછો કરીને ખંભાળિયા સુધી પહોંચી ગયા હતા. અહીં પાયલ હોટલ પાસે બેરીકેટ તેમજ અડચણો હોવાથી આરોપીઓ પોતાનું વાહન મૂકી અને અંધારામાં ખેતરાઉ રસ્તે નાસી છૂટ્યા હતા.
આથી આ પ્રકરણ અંગે મીઠાપુર પોલીસમાં છ જેટલા શખ્સો સામે આઈપીસી કલમ 307 તેમજ ફરજમાં રૂકાવટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આ પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. તથા એસ.ઓ.જી. પોલીસ અને ખંભાળિયા પોલીસ પણ સાથે મળી અને આરોપીઓને ઝડપી લેવા માટે રાત્રિના સમયે જ ઠેર ઠેર નાકાબંધી સહિતની સધન કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ગંભીર મુદ્દે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા એ.એસ.પી. રાઘવ જૈન અને અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા તાકીદની કાર્યવાહી કરી, જરૂરી માર્ગદર્શન વચ્ચે એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલ અને પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી સાથે એસ.વી. ગળચર વિગેરે દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સીસના આધારે ગ્રાઉન્ડ લેવલની સધન કામગીરી કરીને આધારભૂત માહિતી પરથી પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીને મળેલી બાતમીના આધારે ખંભાળિયા જામનગર હાઈવે રોડ પર દેવળીયા ચોકી આગળ એક ઝાડ નીચે સાઈડમાં બેસીને ખંભાળિયામાં પકડાયેલું પોતાનું વાહન છોડાવવા માટે એકત્ર થયેલા છ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા પકડાયેલા અને ભૂંડ પકડવાનો ધંધો કરતા છ શખ્સો મૂળ અમદાવાદના ભાઈપુરા વિસ્તારના રહીશ અને હાલ જામનગરના પાસેના મસીતિયા ગામે રહેતા તેમજ ભૂંડ પકડવાનો અને વાળ વીણવાનો વ્યવસાય કરતા મરાઠા સેટીયા બાબુ બોકડે (ઉ.વ. 39), ભાઈપુરાના રહીશ મરાઠા શંકર બાબુ બોકડે (ઉ.વ. 22), મસીતીયા ગામનો મરાઠા ગોપાલ રાજુ બોકડે (ઉ.વ. 23), ક્રિશ રાજુભાઈ કેરે (ઉ.વ. 22), મરાઠા પરબત રાજુ કેરે (ઉ.વ. 27) અને ભારત મસુ ઉર્ફે પોસીયા ઝિલ્પે (ઉ.વ. 23) ને દબોચી લઈને આગવી ઢબે પૂછપરછ કરતા આ શખ્સોએ પોલીસ ઉપર હુમલો કરીને નાસી છૂટયા હોવાની કબૂલાત આપી હતી. આથી ફરજ પરના પોલીસે આરોપીઓની અટકાયત કરી, વધુ તપાસ અર્થે આ શખ્સોનો કબજો મીઠાપુરના ઈન્ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણાને સોંપ્યો છે.
ઝડપાયેલા આ શખ્સો પાસેથી રૂ. 20,000 ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન તેમજ રૂપિયા 3,360 રોકડા મળી કુલ રૂ. 23,360 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ મૂળ મહારાષ્ટ્ર રાજ્યના ધુલિયા જિલ્લાના વતની છે અને તેના વડવાઓ વાંદરાના ખેલ કરવાના વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી તેઓ બંદરી તરીકે ઓળખાય છે. સમય જતા વાંદરાના ખેલ બંધ થઈ જતા તેઓએ અલગ અલગ વિસ્તારોમાં ભૂંડની ચોરીઓ કરતા હોવા ઉપરાંત આ જ્ઞાતિના મુખ્યત્વે લોકો અમદાવાદના ભાઈપુરા વિસ્તારમાં રહે છે. ઝડપાયેલો આરોપી સેટીયા બાબુ બોકડે અમદાવાદ તથા બનાસકાંઠાના ત્રણ ગુનાઓમાં તેમજ અન્ય આરોપી શંકર બાબુ બોકડે પણ ત્રણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું ખુલવા પામ્યું છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, એ.એસ.આઈ. સજુભા જાડેજા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ભરતભાઈ જમોડ, ગોવિંદભાઈ કરમુર, સચિનભાઈ, વિશ્વદિપસિંહ સાથે એસ.ઓ.જી.ના રાજભા જાડેજા, હરપાલસિંહ જાડેજા, સુરેશભાઈ વાનરીયા, મહાવીરસિંહ ગોહિલ, કિશોરસિંહ જાડેજા તેમજ ખંભાળિયાના ડી-સ્ટાફના પોલીસ કર્મીઓ સાથે રહ્યા હતા.