સમયસર આગ કાબુમાં આવી જતાં બાજુમાંજ આવેલી બેંકમાં આગ પહોંચતાં અટકી

દુકાન-કમ ગોદામમાં રાખેલું પ્લાસ્ટિક સળગતાં ભારે નુકશાન: કાલાવડ અને ઉપલેટાની ફાયર ટીમે આગ બુઝાવી

જામનગર મોર્નિંગ - જામનગર (રિપોર્ટર: ભરત રાઠોડ)  

જામનગર જિલ્લાના જામજોધપુરમાં દિવાળીની રાતે આગજનીની ઘટના બની છે. જામજોધપુર ટાઉનના આઝાદ ચોકમાં એક મકાન કમ દુકાનમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડ ની ટીમની સમય સુચકતાના કારણે બાજુમાં જ આવેલી બેંકના બિલ્ડિંગ નો બચાવ થયો હતો. જોકે દુકાન કમ ગોદામ માં રાખેલો પ્લાસ્ટિકનો જથ્થો સળગતાં ભારે નુકસાન થયું છે. કાલાવડ અને ઉપલેટાની ફાયર ની ટીમે આગને બુજાવી હતી.

આગના આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરના આઝાદ ચોકમાં મેઇન બજાર વિસ્તારમાં બે માળના એક રહેણાંક મકાન અને નીચેના ભાગે આવેલી દુકાનમાં ફટાકડાના કારણે આગ લાગી હતી.

વહેલી સવારે ૪.૩૦ વાગ્યાના અરસામાં હાલ બંધ રહેલા મકાનમાં આગ અંગેની જાણ થતાં કાલાવડ અને ઉપલેટાની ફાયર શાખાની ટીમે સમય સર પહોંચી જઇ પાંચ ફાયર ફાઇટર અને નવ જેટલા પાણીના ટેન્કરો વડે આગને કાબુમાં લઈ લેતાં આગ વધુ પ્રસરતી અટકી હતી. 

નીચે આવેલી દુકાનમાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો રાખીને ગોદામ તરીકે ઉપયોગ કરાતો હતો, જે પ્લાસ્ટિક સળગવાના કારણે આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેથી પ્લાસ્ટિકના જથ્થાને મોટું નુકસાન થયું છે.

જે મકાનમાં આગ લાગી હતી, તેની બાજુમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ આવેલી છે, અને મકાનને અડીનેજ રોકડ રકમ રાખવા માટે સ્ટ્રોંગ રૂમ આવેલો છે, પરંતુ સમયસર આગ કાબુમાં આવી ગઈ હોવાથી બાજુના બિલ્ડિંગમાં નુકશાની થતી અટકી હતી. આ ઘટનાની જાણ થતાં જે સ્થળે આગ લાગી, તે બિલ્ડીંગની પાછળના ભાગમા રહેતા પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, અને આગ બુઝાવવાની કામગીરીમાં મદદરૂપ બન્યા હતા.










.