જામજોધપુર પોલીસે પાડેલા દરોડામાં મકાનમાલિકની અટકાયત: અન્ય આરોપીઓના પણ નામ ખુલ્યા

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામ-શખપુર ગામમાં એક રહેણાક મકાનમાં ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમીના આધારે આજે પરોઢીએ જામજોધપુર પોલીસે દરોડો પાડી રહેણાક મકાનમાંથી સવાસો પેટી જેટલો ઇંગ્લીશ દારૂનો માતબર જથ્થો પકડી પાડ્યો છે, અને એક શખ્સની અટકાયત કરી છે. જ્યારે અન્ય આરોપીઓના નામ ખૂલી રહ્યા છે. સમગ્ર મામલે જામજોધપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ દરોડાની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના જામ-સખપૂર ગામમાં એક રહેણાક મકાનમાં ઇંગલિશ દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ થઈ રહ્યું છે, તેવી ચોક્કસ બાતમીના આધારે જામજોધપુર પોલીસે વહેલી સવારે જામ-સખપુર ગામમાં પહોંચી જઇ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મકાનમાંથી ઇંગ્લિશ દારૂની ૧૨૫થી વધુ પેટી જેટલો માતબર જથ્થો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા તમામ દારૂનો જથ્થો કબજે કરી લઈ તેની ગણતરી કરવામાં આવી રહી છે, જયારે એક આરોપીની અટકાયત કરી લઈ તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવાઇ રહી છે. જેના આધારે દારૂ સપ્લાય કરનાર અને મંગાવનાર સહિત અન્ય કેટલાક શખ્સોના નામો ખુલે તેવી શક્યતા છે. વધુ વિગત મેળવાઈ રહી છે.