શુભ મુહૂર્તમાં ભગવાનનાં લગ્નની સાથે જ લગ્નની સિઝનનો શુભારંભ

જામનગર મોર્નિંગ - જામનગર 

કારતક સુદ એકાદશીએ સૃષ્ટીનાં પાલનહાર શ્રી વિષ્ણુ ભગવાન સાડા ચાર મહિના પછી યોગ નિંદ્રામાંથી જાગે છે, અને ચાતુર્માસ પૂર્ણ થાય છે. એટલે આ એકાદશીને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. આ જ દિને ભગવાન વિષ્ણુનાં શાલીગ્રામ સ્વરૂપે તુલસીજી સાથે લગ્ન થયા હોવાથી તુલસી વિવાહ ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં દેવદિવાળી તરીકે પ્રચલિત દેવઉઠી એકાદશીએ 'છોટીકાશી' કહેવાતા જામનગરનાં વિવિધ વિષ્ણુ મંદિરોમાં પરંપરાગત રીતે તુલસી વિવાહ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. ખંભાળીયા ગેઇટ પાસે આવેલ શ્રી માધવરાયજી મંદિરે ધામધૂમથી પ્રભુનો વિવાહોત્સવ યોજાયો હતો અને બહોળી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. આણદાબાવા ચકલા નજીક આવેલ શ્રી ત્રિવિક્રમરાયજીનાં પ્રાચીન મંદિરે પણ તુલસી વિવાહની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. ભક્તોએ વર પક્ષ અને કન્યા પક્ષ બંનેની ભૂમિકા નિભાવી ભગવાનનાં લગ્નનાં યજમાન થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી સત્યનારાયણ મંદિરે પણ ગોધૂલિક વેળાએ નિજ મંદિરમાં તુલસીવિવાહની પરંપરા નિભાવવામાં આવી હતી. તેમજ દેવદિવાળી પર્વ પર શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ પૂજા સાથે યજમાનોને શીરાનાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કિસાન ચોક પાસે દ્વારકાપુરી રોડ પર આવેલ શ્રી દ્વારકાપુરી મંદિરમાં પણ યજ્ઞ સાથે ભવ્યતાથી તુલસી વિવાહ ઉત્સવ ઉજવાયો હતો. શહેરનાં અન્ય નાના મોટા વિષ્ણુ મંદિરોમાં પણ પરંપરાગત રીતે દેવદિવાળી પર્વ પર તુલસી વિવાહ સહિતનાં ધર્મકાર્યો સંપન્ન થયા હતાં.