• એક મિત્રનું મૃત્યુ: બે મિત્રોને રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા 
 
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામ રોડ પર બુધવારે રાત્રે ત્રણ મિત્રો ડિવાઈડર પર બેઠા હતા ત્યારે આઇસર ટ્રકના ચાલકે બેફિકરાઈ પૂર્વક ચલાવી ત્રણેય મિત્રોને હડફેટે લેતા એક મિત્રનું મૃત્યુ નીપજ્યું હતું, જયારે બે મિત્રોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા ટ્ર્કના ચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામ રોડ પર વિમલભાઈ કાંતિભાઈ ભાલોડીયા, મિતભાઈ હરેશભાઇ રામોલીયા અને હર્ષીલભાઈ રોહિતભાઈ ખાંટ નામના ત્રણેય મિત્રો વોકિંગ કરવા નીકળા હોય અને એવીડીએસ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સામે રોડ પર ડિવાઇડ પર બેઠા હતા, તે દરમિયાન જીજે 27 એક્સ 6593 નંબરના ટ્રકના ચાલકે બેફિકરાઈ પૂર્વક ટ્રક ચલાવી ત્રણેય મિત્રોને હડફેટે લેતા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, આ બનાવમાં વિમલભાઈ નું ગંભીર ઇજા પહોંચવાથી મૃત્યુ નીપજ્યું હતું, જયારે મિતને પગમાં ફેક્ચર તથા હર્ષીલને શરીરે ઈજાઓ પહોંચતા બંનેને રાજકોટ અર્થે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની જાણ થતા વિમલભાઈના કાકા નંદલાલભાઈ માવજીભાઈ ભાલોડીયા એ જામજોધપુર પોલીસ મથકમાં આઈસર ટ્રક ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.