•  હજારોની સંખ્યામાં લોકો નાટક નિહાળીને અભિભૂત બન્યા

ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં શનિવારે રાત્રે જાણીતા ગૌરક્ષક વીર માંગડાવાળો તથા સતી પદ્માવતીના નાટકનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
ઉપલેટાના કસુંબલ કલાવૃંદ માલદેભાઈ આહીર સાથે ગાંધીનગરના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આર્થિક સહયોગથી ખંભાળિયા શહેર નજીક શ્રી શિરેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં શનિવારે રાત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ધીંગી ધરાની ગૌરાંકીત ગાથા ગૌરક્ષક વિર માંગડાવાળો અને પદ્માવતીનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું.

શહેરના ઇતિહાસમાં આ પ્રકારનું નાટક સૌપ્રથમ વખત યોજવામાં આવતા શનિવારે રાત્રે અહીં હજારોની સંખ્યામાં શહેર તથા જિલ્લાભરમાંથી જનમેદની ઉમટી પડી હતી. લોકોએ સોરઠી સંસ્કૃતીની આ અમર ગાથા ભાવભેર માણી હતી.
આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે "આવા કાર્યક્રમો થકી આપણી સંસ્કૃતિથી લોકો માહીતગાર થાય છે અને પ્રેરણા લ્યે છે."

આ નાટકના લેખક-ગાયક માલદે આહીરને મંત્રી તેમજ ઉપસ્થિત સૌ કોઈએ બિરદાવ્યા હતા અને સંસ્કૃતીના આવા યોધ્ધાઓ આપણુ ગૌરવ છે- તેવા પ્રતિભાવો વ્યક્ત કરવામાં આવ્યા હતા.
મુખ્ય માલમ માલદે આહીરે કહેલ કે આપણી સંસ્કૃતીના આવા નાટકો જીવનના માર્ગદર્શક પણ છે. આ નાટકમાં સાથે રહેલા જાણીતા કલાકાર લલીતા ઘોડાદ્રા અને માલદે આહિરના કંઠે ગવાયેલ મરશીયા કરુણ રસથી ઉપસ્થિત લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.
ભાણવડની પુરુષાર્થ વિદ્યાનિકેતન શાળાના 60 જેટલા હોનહાર વિદ્યાર્થીઓની આ અભિનય કલાથી ઉપસ્થિત લોકો આફરીન થઈ ગયા હતા. મુખ્ય પાત્રોએ ઉપસ્થિત દર્શકોને જાણે ધ્યાનમાં બેસાડી દીધા હતા.

પુરુષાર્થ એટલે ભણતર, ગણતર સાથે જીવન ઘડતરનું કાર્ય કરતી સંસ્થાએ શનિવારે ખંભાળિયા તાલુકામાં ધાતરવડનો ધણી અને ભાણ જેઠવાનો ભાણેજ વિર માંગડાવાળો અમર ગાથા અને ઐતિહાસિક ઘટના આજે પણ ભાણવડ મુકામે ભૂતવડ દાદાનું મંદિર શ્રદ્ધા અને આસ્થાનું આકર્ષણ સ્થાન તરીકે બિરાજમાન છે. ત્યારે લોકગાયક માલદે આહીર લેખિત અને દિગ્દર્શક નિર્લોક પરમાર તેમજ કેળવણીકાર ભિમશીભાઈ કરમુરની શાળા પુરુષાર્થ વિદ્યાનિકેતન ભાણવડના ધોરણ ત્રણથી બાર સુધીના 60 જેટલા વિદ્યાર્થીઓ કલાકારો દ્વારા રંગ દેવતાને રાજી કરવા અને લોક સંસ્કૃતિને કોડીએ દિવેલ પુરવા, ગૌધણના રક્ષણ કાજે પ્રાણની આહુતિ આપનાર રણવીર માંગડાવાળાની અદભુત સૌર્ય ગાથા એટલે સૌરાષ્ટ્રની સર્વ શ્રેષ્ઠ લોક કથા આધારિત દ્વિઅંકી નાટક વીર માંગડાવાળો અને સતી પદ્માવતી શાળાના બાળકો દ્વારા અદભુત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં આશરે 15 થી 17 હજાર જેટલા દર્શકોને કલાકારોએ મંત્રમુગ્ધ કરી દીધા હતા. સતત ત્રણ કલાક સુધી ચાલેલા આ નાટકમાં લોકો છેક સુધી જોડાયેલા રહ્યા હતા.

આ આયોજનમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના પ્રમુખો, જિલ્લાના તમામ અધિકારીઓ અને વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શૈક્ષણિક સંસ્થાની જહેમત તેમજ આયોજકોની કામગીરીથી આ ઐતિહાસિક વારસા સમાન નાટકે શહેરમાં જાણે ઇતિહાસ રચ્યો હોય એમ કહી શકાય. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. ખુશાલ શીલુ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સર્વશ્રી મયુરભાઈ નકુમ સાથે ડો. અમિત નકુમ, ડોક્ટર પી.વી. કંડોરીયા, ઈન્દ્રજીતસિંહ પરમાર, પરબતભાઈ ભાદરકા, પ્રતાપભાઈ દતાણી વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે આભાર વિધિ લોકગાયક માલદેભાઈ આહિરે કરી હતી.