જામ ખંભાળિયા, તા. ૦૮-૧૧-૨૦૨૩ : ખંભાળિયામાં દીપોત્સવ પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંની જાણીતી સેવાભાવી સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ દ્વારા રઘુવંશી જ્ઞાતિના 100 એટલા જરૂરિયાતમંદ પરિવારોને ખાદ્ય ચીજ વસ્તુઓ સાથેની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા પંથકના રઘુવંશી જ્ઞાતિના ખૂબ જ ઓછી આવક ધરાવતા પરિવારોને જલારામ અન્નપૂર્ણા ગૃહ દ્વારા ખાસ પરમિટ બનાવી આપવામાં આવી છે. છેલ્લે આશરે 41 વર્ષથી અનાજ સહિતની ચીજ વસ્તુઓનું વિતરણ કરાય છે. વર્ષ 1982 થી અવિરત રીતે ચાલતા આ સેવા યજ્ઞમાં અહીંના વયોવૃદ્ધ દાતા સદગૃહસ્થ મૂળજીભાઈ વલ્લભદાસ પાબારી એક અડીખમ આધારસ્તંભ બની રહ્યા છે. તેમના દ્વારા અનાજ વિતરણનો ખર્ચ આપવામાં આવે છે.
તાજેતરમાં શ્રાવણ માસ નિમિત્તે રઘુવંશી પરિવારોને પણ મીઠાઈ, ફરસાણ સાથેની કીટ બાદ આગામી દીપોત્સવી પર્વને અનુલક્ષીને મૂળજીભાઈ વલ્લભદાસ પાબારી દ્વારા રઘુવંશી જ્ઞાતિના જરૂરિયાતમંદ પરિવારોને અનાજની ચીજ-વસ્તુઓ સાથેની કીટ આપવામાં આવી હતી. આ માટેની વિતરણ વ્યવસ્થા પીઢ અને સેવાભાવી રઘુવંશી અગ્રણી મહેન્દ્રભાઈ કાનાણી, નિખિલભાઈ કાનાણી, અશોકભાઈ દાવડા અને નીશિલભાઈ કાનાણી દ્વારા સુવ્યવસ્થિત રીતે સંભાળવામાં આવી હતી.
0 Comments
Post a Comment