જામનગર તા.06 નવેમ્બર, કેન્દ્ર સરકારના વાયેબીલીટી ગેપ ફંડિંગ યોજના હેઠળ સમાવિષ્ટ એલ.એન્ડ ટી. રાજકોટ-વાડીનાર ટોલવે લિમિટેડને નિયત કરેલા વાહનો પાસેથી નિયત કરેલ ચાર્જ વસુલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જે પૈકી, જામનગર જિલ્લામાં જામનગર તાલુકાના બેડ ગામ તથા ધ્રોલ તાલુકાના સોયલ ગામ પાસે ટોલ પ્લાઝા આવેલા છે. ઉપરોક્ત ટોલ પ્લાઝાની આજુબાજુના ગામોના લોકો કોમર્શીયલ વાહનો પણ ધરાવે છે. આવા વાહન ધારકો સરકારશ્રીના જાહેરનામાંનો અમલ ના કરીને નિયત ટોલ ચાર્જની ચુકવણી કરતા નહી હોવાના બનાવો બનેલા છે.

 

તેમજ, ગુનેગારો ગુનાના સ્થળેથી અન્ય જિલ્લા તેમજ રાજય બહાર પણ નાસી જતા હોય છે. જિલ્લાના ટોલનાકાઓ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. પરંતુ, કેટલાક લોકો ટોલ પ્લાઝાના નજીકમાં આવેલી તેમની જમીનમાં થઈને વાહનોને ટોલગેઈટમાંથી પસાર થવું ન પડે તે રીતે બાયપાસ થવાની સવલત પુરી પાડે છે.

 

તેથી આવા બનાવો નિવારી શકાય તે હેતુથી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, જામનગર જિલ્લાના બેડ તથા સોયલ ગામ પાસે આવેલા ટોલનાકાઓ પરથી પસાર થતા ટોલટેક્સ ચુકવવાપાત્ર તમામ વાહનોના ચાલકોએ તેમનું વાહન ટોલપ્લાઝાની નિશ્ચિત જગ્યાએ થોભાવવું તથા રાજ્ય સરકારે નક્કી કરેલો ટોલ ટેક્ષની ચુકવણી બાદ તેની પહોંચ મેળવી લેવી. જો નિયમાનુસાર મુક્તિ મળવા પાત્ર હોય, તો તે અંગેનું કાર્ડ કે પાસ ટોલ પ્લાઝાના કર્મચારી, એજન્ટ કે નોકરને બતાવીને તે બાદ જ ટોલનાકુ પસાર કરવું.

 

વિશેષમાં, ઉપરોકત ટોલનાકાઓ નજીક આવેલી જમીનના માલિકોએ વાહનો ટોલનાકામાંથી પસાર થવાના બદલે પોતાની ખાનગી માલિકીની જમીનમાંથી બાયપાસ થઈ પસાર થઈ શકે તેવો કોઈપણ બાયપાસ પ્રકારનો રસ્તો વાહન ચાલકોને પુરો પાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર અને જાહેરનામાંઓથી જે વાહનોને ટોલટેકસ ચુકવવામાંથી મુક્તિ આપવામાં આવેલી હોય, તો તેવા વાહનચાલકોને આ જાહેરનામાંની જોગવાઈ લાગુ પડશે નહી.

 

ઉક્ત પ્રતિબંધાત્મક હુકમ આગામી તા. 02/01/2024 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના કોઈપણ ખંડ અથવા હુકમનું ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ભારતના ફોજદારી અધિનિયમ-1860 ના 45માં અધિનિયમની કલમ-188 મુજબ સજાને પાત્ર થશે.