• ટ્રક ભાડેથી મેળવી નિર્ધારિત સ્થળે પી પી દાણા નહીં પહોંચાડી છેતરપિંડી કરવા અંગે જામનગર મહારાષ્ટ્ર અને સુરતના ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો

જામનગર મોર્નિંગ - જામનગર : મૂળ દિલ્હીની અને જામનગરમાં ઓફિસ ધરાવતી એક ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાંથી રૂપિયા ૫૯ લાખની કિંમતનો પીપીદાણાનો જથ્થો જુદા જુદા બે ટ્રકોમાં ભરીને ઇન્દોર મોકલવા માટે રવાના કરાયો હતો, જે પી પી દાણા નો જથ્થો નિયત સ્થળે પહોંચ્યો ન હતો, અને બારોબાર ચાઉ થઈ ગયો હતો. આથી જામનગર થી ઇન્દોર પહોંચાડવા માટે નું બ્રોકિંગ નું કામ કરનાર જામનગર સુરત અને મહારાષ્ટ્રના ત્રણ બ્રોકર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ દિલ્હીના વતની અને મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાં ટ્રાન્સપોર્ટના કામનો કોન્ટ્રાક્ટ ધરાવનારા ગૌરવ ઋષિ ગોયલ નામના વેપારીએ મોટી ખાવડી સ્થિત રિલાયન્સ કંપનીમાંથી રૂપિયા ૫૯ લાખની કિંમતનો પીપી દાણાનો જથ્થો ભરીને ઇન્દોર પહોંચાડવા માટે જુદા જુદા બે ટ્રકો ભાડેથી મેળવવા માટે બ્રોકરનો કોન્ટેક્ટ કર્યો હતો.

જેમાં સૌપ્રથમ ખીજડીયા બાયપાસ પાસે શક્તિ ફાર્મ ધરાવતા બ્રોકર જયવીરસિંહ મોતીરામ ચૌધરી નો સંપર્ક સાધ્યો હતો, અને તેણે મહારાષ્ટ્રના ભાયંદરના નિર્ભય મધુસુદન ઠક્કર નો સંપર્ક સાધ્યો હતો જ્યારે ટ્રક ભાડે મેળવવા માટે સુરતના કડોદર વિસ્તારના રાજીવ રંજન સિંહની મદદથી જુદા જુદા બે ટ્રક ભાડેથી કરાયા હતા. તેમાં એક ટ્રકમાં  30,54,418ની કિંમતનો 30 મેટ્રિક ટન પીપીદાણાનો જથ્થો ભરાયો હતો, અને ૧૧૬૦ બેગમાં પેક કરાયો હતો. તે જ રીતે બીજા ટ્રકમાં ૨૯ મેટ્રિકટન પી.પી.દાણા ન જથ્થો કે જેમાં ૧૨૦૦ બેગ હતી અને ૨૮,૬૦,૨૧૦ની કિંમતનો પ્લાસ્ટિકનો દાણાનો જથ્થો ભરીને ઇન્દોર ખાનગી કંપનીના ગોડાઉનમાં મોકલવા માટે રવાના કરાયો હતો.

ગત ૩૧.૧૦.૨૦૨૩ના દિવસે બંને ટ્રકમાં જથ્થો ભરીને રવાના કરાયો હતો, જે આજદિન સુધી ત્યાં પહોંચ્યો ન હતો, અને બંને ટ્રકના ચાલકો અન્ય સ્થળે પી.પી. દાણા લઈને ચાલ્યા ગયા હોવાથી આખરે ગૌરવ કુમાર ગોહેલ દ્વારા મેઘ પર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જ્યાં ત્રણેય બ્રોકરો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવતાં મેઘપર પોલીસે આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૪૦૭, અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે, અને ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.