• તારીખ 14 થી 20 સુધી વિવિધ કાર્યક્રમો -

જામ ખંભાળિયા, તા. ૦૯-૧૧-૨૦૨૩ : પુસ્તકાલયો પ્રત્યે લોકોમાં જાગૃતતા વધારવા માટે વર્ષ 1968 થી દેશભરમાં તારીખ 14 થી 20 નવેમ્બર સુધી રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ખંભાળિયામાં આવેલા સરકારી જિલ્લા ગ્રંથાલય ખાતે આગામી તા. 14 થી 20 દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી અન્વયે પુસ્તકાલયના સભ્યો માટે આગામી તારીખ 18 ના રોજ પુસ્તકાલય ખાતે નિબંધ લેખન, રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક સ્પર્ધામાંથી પ્રથમ અને દ્વિતીય વિજેતાને રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર આપવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છતા લોકો માટે તા 17 સુધીમાં ખંભાળિયામાં કડિયાવાડ વિસ્તારમાં આવેલા કલ્યાણરાયજી મંદિર પાસે સરકારી જિલ્લા ગ્રંથાલય ખાતે નિઃશુલ્ક રજીસ્ટ્રેશન કરાવી લેવા તથા સ્પર્ધાને લગતી અન્ય માહિતી માટે પુસ્તકાલયની રૂબરૂ મુલાકાત લેવા અથવા મોબાઈલ નંબર 84601 11087 પર સંપર્ક સાધવા મદદનીશ ગ્રંથપાલની એક યાદીમાં જણાવાયું છે.