માત્ર ૬ હજાર રૂપિયાના બિલના નાણાં રોકવાના પ્રશ્ને પૂર્વ મહિલા સરપંચના પતિ દ્વારા માર મારી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ

જામનગર મોર્નિંગ - જામનગર 

કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામના તલાટી કમ મંત્રી પોતાની ઓફિસમાં ફરજ પર હતા, દરમિયાન ગામના પૂર્વ મહિલા સરપંચના પતિદેવે આવીને માત્ર ૬,૦૦૦ રૂપિયાના મજૂરી કામના બિલના નાણા રોકવાના મામલે તલાટી કમ મંત્રી પર હુમલો કરી દીધો હતો, અને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી અને તેઓની ફરજમાં રૂકાવટ કરી હોવાથી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જે બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ચોરબેડી ગામમાં રહેતા અને કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડીયા ગામના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા મિલનભાઈ નારણભાઈ વશરાએ પોતાના પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તેમ જ પોતાની સરકારી ફરજમાં રૂકાવટ પેદા કરવા અંગે નપાણીયા ખીજડીયા ગામમાં રહેતા પૂર્વ મહિલા સરપંચ નિરાલિબેન ભલારાના પતિદેવ હરેશભાઈ ભલારા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪ અને ૫૦૬-૨ મુજબ ગુનો નોંધ્યો છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી તલાટી કમ મંત્રી શુક્રવારે પોતાની કચેરીમાં સરકારી ફરજ પર હતા, અને નવા આવેલા તલાટી કમ મંત્રીને પોતાના ચાર્જની સોંપણી કરતા હતા, જે દરમિયાન આરોપી હરેશ ભલારા ધસી આવ્યો હતો, અને પોતે અગાઉ કરાવેલું મજૂરી કામ કે જેનું માત્ર ૬ હજાર રૂપીયાનું બિલ રોકાયું હોવાથી તે બિલના નાણા બાબતે તલાટી કમ મંત્રી પાસે ધમકી ભર્યા અવાજે વાત કરી હતી, અને તલાટી કમ મંત્રીને ગાળો ભાંડી, ઝાપટો મારી દીધી હતી. અને તેઓની સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી. અને જો બિલ પાસ નહીં કરે તો જાનથી મારી નાખશે, તેવી ધમકી આપી હતી.

 જે મામલો આખરે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પીએસઆઈ એચ.વી. પટેલ દ્વારા આરોપી સામે ફરજમાં રૂકાવટ અને હુમલા અંગે  ગુન્હો નોંધ્યો છે, અને આરોપીને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.