જામનગર તા.06 નવેમ્બર, સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન'' પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ અભિયાનમાં અબાલ-વૃદ્ધ સૌ સાથે મળીને પોતાનું યોગદાન આપી રહયા છે. તાજેતરમાં, જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી, જામનગરના માર્ગદર્શન હેઠળ જામનગર તાલુકાના બાળા ગામના નાના રણુજા મંદિરના આસ-પાસના વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી. 

 આ સફાઈ ઝુંબેશમાં સ્થાનિક આગેવાનશ્રીઓ તેમજ મંદિરના મહંતશ્રીએ સેવા આપી હતી. આ ઝુંબેશ દરમિયાન એક આશ્ચર્યજનક બાબત ધ્યાનમાં આવી હતી કે, નાના રણુજા મંદિરની પરિસરમાં રહેતા એક માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિની પથારીની આસ-પાસ ખુબ જ ગંદકી અને અસ્વચ્છતા ફેલાયેલી હતી. તેમની માનસિક પરિસ્થિતિ યોગ્ય ન હોવાથી તે વૃદ્ધ ખુબ જ દયનીય હાલતમાં રહેતા હતા. આ વૃદ્ધનું ડી.આર.ડી.એ. કચેરીના કર્મચારીગણ દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ તેમને સ્વચ્છતા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

 

આ સમજાવટથી તેઓ આકર્ષિત થઈને જાતે સાવરણો લઈને સ્વૈચ્છીક રીતે પોતાની પથારીની જગ્યાની અને આજુ-બાજુમાં રહેલી ગંદકીની જાતે જ સફાઈ કરવા લાગ્યા હતા. તેમજ તેની પાસે સંગ્રહ કરેલો પ્લાસ્ટિકનો કચરો, પસ્તી, કાગળીયાં તેમજ અન્ય વેસ્ટ એકત્ર કરીને કચરાની ક્લેક્શન બેગમાં આપી દીધો હતો. આ બાબત દર્શાવે છે કે, સ્વચ્છતા એ માત્ર ઉચ્ચ સમાજ કે સોસાયટીમાં વસવાટ કરતા માનવી પૂરતી જ સીમિત નથી રહી, પરંતુ તે દરેક જીવમાત્રને પ્રિય છે. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારતનો નારો જન-જનના હ્ર્દયમાં વસી ગયો છે, અને સૌ સાથે મળીને સ્વચ્છ ભારત અભિયાનમાં ભાગ લઈ રહયા છે.