• જામજોધપુર પોલીસે ફૂડ વિભાગના અધિકારીને સાથે રાખીને પાડેલા દરોડામાં ડેરી તેમજ રહેણાંક મકાનમાંથી નકલી ઘી ઝડપાયું

જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર જિલ્લાના જામજોધપુરમાં આવેલી ઉમિયાજી ડેરી નામની દુકાનમાં તેના વેપારી દ્વારા તહેવારો દરમિયાન ભેળસેળયુક્ત ઘીનું વેચાણ કરાતું હોવાનું ધ્યાનમાં આવતાં જામજોધપુર પોલીસે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના ઓફિસરને સાથે રાખીને દરોડો પાડ્યો હતો, અને ડેરી તેમજ રહેણાંક મકાનમાંથી ૧૦૦ કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કરી લીધો છે, અને વેપારીની અટકાયત કરી છે.

જામજોધપુરમાં બહુચરાજી મંદિર પાસે આવેલી ઉમિયાજી ડેરી નામની દુકાનમાં તેના સંચાલક બીપીનભાઈ ગોવિંદભાઈ ગોહેલ નામના વેપારી દ્વારા તહેવારો દરમિયાન ભેળસેળ યુક્ત ઘી વેચવાની પેરવી કરી રહ્યા છે, તેવી માહિતી જામજોધપુર પોલીસને મળી હોવાથી આજે વહેલી સવારે ફૂડ વિભાગના ઓફિસર એન.એમ. પરમારને સાથે રાખીને જામજોધપુરના પીઆઈ વાય. જે. વાઘેલા અને તેમની ટીમના પ્રજ્ઞરાજસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, અશોકભાઈ ગાગીયા વગેરેએ દરોડો પાડયો હતો.

જે દરોડા દરમિયાન ઉમિયાજી ડેરી અને તેના ઘરમાંથી ૧૦૦ કિલો નકલી ઘીનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસ દ્વારા ભેળસેળ યુક્ત નકલી ઘીનો જથ્થો ફૂડ અને સેફટી વિભાગના અધિકારીની હાજરીમાં તેમનું સેમ્પલિંગ કરાયું છે, અને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલી અપાયું છે. જ્યારે વેપારી સામે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.