જામનગરના પ્રૌઢના સ્કૂટરની આડે ખૂંટીયો ઉતરતાં અકસ્માત સર્જાયા પછી ઇજાગ્રસ્તનું સારવારમાં મૃત્યુ
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લા નજીક વધુ એક રસ્તે રઝળતા ખૂંટિયાએ માનવીનો ભોગ લીધો છે. અને જામનગરના ૫૫ વર્ષના પ્રૌઢ ખૂંટિયાની ઢીંકના કારણે ઇજાગ્રસ્ત બની જતાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સુભાષ શાક માર્કેટ પાછળ ખાટકી વાડ વિસ્તારમાં રહેતા અબ્બાસભાઈ જુમાભાઈ નામના ૫૫ વર્ષના પ્રૌઢ ગત તા ૨૧.૧૧.૨૦૨૩ના સવારે ૧૧.૦૦ વાગ્યાના અરસામાં પોતાનું સ્કૂટર લઈને જામનગર-રાજકોટ ધોરી માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન ફલ્લા ગામના પાટિયા પાસે એકાએક ખૂંટિયો તેમના સ્કૂટરની આડે ઉતર્યો હતો, અને તેમનું વાહન સ્લીપ થઈ ગયું હતું, અને પોતે માર્ગ પર પટકાઈ પડ્યા હતા. જેમાં તેઓને મોઢાના ભાગે તેમજ માથાના ભાગે અને પાંસળીઓમાં ઇજા થઈ હતી.
જેથી તેમને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં ગુરુવારે સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર સબીરભાઈ અબ્બાસભાઈ વાઘેરે પોલીસને જાણ કરતાં પંચકોશી એ ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
0 Comments
Post a Comment