''રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હસ્તકલા સેતુ યોજનામાં મને મોતીકામની તાલીમ મળી છે, જેથી દેશભરમાં આયોજિત થતા હસ્તકલાના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળી છે'' : લાભાર્થી જીજ્ઞાબેન કુબાવત

જામનગર મોર્નિંગ - જામનગર 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં ‘વોકલ ફોર લોકલ ’ ચળવળ આગળ ધપી રહી છે. દિવાળીના તહેવાર દરમિયાન નાના વેપારીઓનું વેચાણ વધે, આત્મનિર્ભર ભારતને વેગ મળે અને દેશની આવક દેશમાં જ રહે તેવા શુભ હેતુથી નાગરિકો વોકલ ફોર લોકલ મુવમેન્ટમાં સહકાર આપી રહયા છે. 

જામનગર શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ લાખોટા તળાવની પાળે હસ્તકલાની વિવિધ વસ્તુઓના વેચાણ કરતા સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે. આ પ્રકારના અનોખા આયોજન થકી અનેક પરિવારોમાં દિવાળીના પ્રસંગે ખુશીના દીવડા પ્રગટ્યા છે. 

જામનગર જિલ્લાના વિભાપર ગામના લાભાર્થી જીજ્ઞાબેન કુબાવતને અત્રે ફ્રીમાં સ્ટોલ મળ્યો છે. તેઓ જણાવે છે કે, '' હું 3 વર્ષથી મોતીકામ કરું છું. મારી પાસે રૂપિયા 50 થી શરૂ કરીને 2500 રૂપિયા સુધીની વિવિધ પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ છે. હું અત્યારે મોતીમાંથી ટોડલિયા, લાભ-શુભના સ્ટીકર્સ, ગાદી, તોરણ, લટકણિયાં, કળશ, મોતીના નેકલેસ, બ્રાઈડલ જેવેલરી સેટ, પૂજાની માળા, ઍરિંગ્સ, કિચેન, હાથની લકી અને પૂજાનો અન્ય સામાન બનાવું છું. આ તમામ વસ્તુઓ બનાવવા માટે હું વિવિધ રંગના જેકો મોતી વાપરું છે, અને બધી જ વસ્તુઓ હાથેથી પરોવીને તૈયાર કરું છું. 

ઉલ્લેખનીય છે કે, જીજ્ઞાબેનની હસ્તકલા આજે માત્ર જામનગર પૂરતી જ સીમિત રહી નથી. તેઓને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હસ્તકલા સેતુ યોજનામાં મોતીકામની તાલીમ મળી છે. આ તાલીમ મેળવ્યા બાદ તેઓને દેશભરમાં આયોજિત થતા હસ્તકલાના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળી છે. જજ્ઞાબેનને આ પૂર્વે પ્રયાગરાજ, લખનઉ અને મૈસુરમાં વિવિધ જગ્યાએ હસ્તકલા વિભાગ તરફથી જવાનો મોકો મળ્યો હતો. તેમને બધી જગ્યાએ સારો રિસ્પોન્સ મળ્યો છે. આ તમામ જગ્યાઓ પર તેમને ફ્રીમાં સ્ટોલ મળ્યા છે, જેથી તેમનું ભાડું બચી ગયું છે, અને તેમને સારી આવક પ્રાપ્ત થઈ છે. જીજ્ઞાબેનની દિવાળી આ વર્ષે સ્પેશિયલ દિવાળી બની હોવાથી તેણી આ તકે રાજ્ય સરકારનો ખુબ-ખુબ આભાર વ્યક્ત કરે છે.