વેપારીના પત્ની મકાન ખુલ્લું રાખીને બાજુમાં બેસવા જતાં ખુલ્લા રહેલા મકાનમાંથી તસ્કરો રૂપિયા પોણા બે લાખની રોકડ ઉઠાવી ગયા: કોઈ જાણ ભેદુ નું કારસ્તાન: અન્ય એક લાખની રોકડ તથા સોનાના દાગીના છોડીને તસ્કરો ચાલ્યા ગયા

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં પારેખ શેરીમાં એક વેપારીના ખુલ્લા રહેલા રહેણાંક મકાનને ધોળે દહાડે તસ્કરે નિશાન બનાવી લઈ અંદરથી રૂપિયા પોણા બે લાખની રોકડ રકમની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. કોઈ જાણ ભેદુ તસ્કરનું કારસ્તાન હોવાનું અનુમાન કરાયું છે. કબાટમાં જ રાખેલી એક લાખની રોકડ તથા સોનાના તમામ ઘરેણા તસ્કરો છોડીને ભાગી ગયા હોવાથી બચી ગયા છે. પોલીસ સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે કાલાવડ ટાઉનમાં મેઇન બજાર નજીક પારેખ શેરીમાં રહેતા અને અનાજ કરિયાણાની દુકાન ધરાવતા દેવનદાસ આસુમલ ગંગવાણી નામના ૬૫ વર્ષના સિંધી લોહાણા વેપારીએ બુધવારે સાંજે ૬ વાગ્યાથી ૬.૩૦ વાગ્યા સુધીના અડધો કલાકના સમયગાળા દરમિયાન પોતાના ખુલ્લા રહેલા રહેણાંક મકાનમાંથી કોઈ તસ્કરો રૂપિયા ૧,૭૫,૦૦૦ ની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં નોંધાવી છે. જે ફરિયાદને અનુસંધાને કાલાવડના પીઆઇ વી.એસ. પટેલ તેમજ સ્ટાફના મયુરસિંહ જાડેજા, સુરપાલસિંહ જાડેજા, વાસુદેવ સિંહ જાડેજા વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કોઈ જાણભેદુ શખ્સનું કારસ્તાન હોવાનું અનુમાન લગાવાયું છે.

ફરિયાદી દેવનદાસભાઈ ગંગવાણીના પત્ની બાજુમાં આવેલા એક રહેણાંક મકાને આંટો દેવા ગયા હતા, અને પોતાનું અડધો કલાક માટે ખુલ્લુ રાખ્યું હતું, જે તકનો લાભ લઈને કોઈ તસ્કરે તેમના મકાનમાં ઘૂસી જઇ વેપારની એકત્ર થયેલી રૂપિયા ૧,૦૮,૩૦૦ની રોકડ રકમ તેમજ તેઓના પત્નીના પર્સમાં રાખવા આવેલી ૬૬,૭૦૦ની રોકડ સહિત કુલ ૧,૭૫,૦૦૦ની રોકડ રકમની તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા.

બાજુમાંથી પોતાના ઘેર પરત આવતી વખતે ઘરમાં નિરીક્ષણ કરતાં કબાટ ખુલ્લા હોવાનું અને કેટલીક રોકડ રકમ જમીન પર પડેલી હોવાનું ધ્યાનમાં આવતાં તુરંત જ દેવનદાસ ભાઈને ઘેર બોલાવી લીધા હતા, અને મામલો પોલીસ મથકે લઈ જવાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે કબાટમાં હજુ એક લાખની રકમ ત્યાં જ પડેલી હતી, ઉપરાંત સોનાના દાગીના પણ કબાટમાં જ પડેલા હતા. પરંતુ તસ્કરે પોતાની જરૂરિયાત મુજબ માત્ર પોણા બે લાખની રકમ ઉઠાવી હતી, બાકીના રોકડ દાગીના વગેરે છોડીને ચાલ્યા ગયા હતા. મકાનમાં સીસીટીવી કેમેરા નથી, પરંતુ મકાનથી થોડે દૂર એક સ્થળે સીસીટીવી કેમેરા લાગેલા હોવાથી કાલાવડ ટાઉન પોલીસની ટુકડી તે દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે, અને નજીકના ભવિષ્યમાં ચોદીનો ભેદ ઉકેલાઈ જાય તેવી શક્યતાઓ છે.