પત્નીએ પોલીસમાં અરજી કરતાં વ્યથિત પતિએ અગ્નિ સ્નાન કર્યું

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા દ્વારા)

ખંભાળિયા તાલુકાના ગોલણ શેરડી ગામે રહેતા ગગુભાઈ મેઘાભાઈ સઠીયા નામના 30 વર્ષના ગઢવી યુવાનને તેની પત્ની સાથે અગાઉ ઝઘડો થયો હતો. તેથી તેના પત્ની પોતાના માવતરે જતા રહ્યા હતા. આ પછી તેણીએ પોતાના પતિ વિરુદ્ધ પોલીસમાં અરજી કરતા ગગુભાઈ પોતાના પત્નીને પોતાના ઘરે પરત આવવા માટે સમજાવવા ગયા હતા. પરંતુ તેની પરત આવ્યા ન હતા. આ બાબતે ગગુભાઈ સઠીયાને મનમાં લાગી આવતા તેમણે ભાડથર ગામે આવેલા ખાટલાધાર વાડી વિસ્તારમાં પોતાના હાથે શરીરે કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી લીધી હતી. આનાથી ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં ગગુભાઈ ગઢવીને વધુ સારવારમાં અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના મોટાભાઈ ફોગાભાઈ મેઘાભાઈ ગઢવી (ઉ.વ. 49, રહે. હાલ દાતા) એ અહીંની પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.

ઝાડ કાપવા બાબતે મહિલા પર હુમલો: ત્રણ શખ્સો સામે ફરિયાદ

ખંભાળિયા તાલુકાના દખણાદા બારા ગામના વાડી વિસ્તારમાં રહેતા લક્ષ્મીબા સિધ્ધરાજસિંહ જીજીભા ચુડાસમા નામના 36 વર્ષના મહિલા દ્વારા આ જ વિસ્તારમાં રહેતા અજીતસિંહ રામસંગજી જાડેજા કિરીટસિંહ રામસંગજી જાડેજા અને શક્તિસિંહ અજીતસિંહ જાડેજા નામના ત્રણ શખ્સો સામે બિભત્સ ગાળો કાઢી અને ખપારી વડે હુમલો કરીને ઇજાઓ કર્યાની ફરિયાદ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આરોપીઓ પોતાના વાડીએથી મીની ટ્રેક્ટરમાં ભૂકો ભરીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓનું ટ્રેક્ટર ફરિયાદી લક્ષ્મીબાના ઘર પાસે પહોંચતા તેમના ઘર પાસે રહેલા લીમડાના ઝાડ આરોપીઓને નડતા હોવાથી આ ઝાડ કાપવાનું કહેતાં લક્ષ્મીબાએ ઝાડ કાપવાની ના પાડતા ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસે ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

વીજપોલ બાબતે ધંધુસરના યુવાન પર હુમલો: મારી નાખવાની ધમકી આપતા પિતા પુત્ર સામે ગુનો

ખંભાળિયા તાલુકાના ધંધુસર ગામના વાડી વિસ્તારમાં રહેતા આનંદ પરબતભાઈ છુછર નામના 22 વર્ષના યુવાન દ્વારા અગાઉ પીજીવીસીએલમાં વીજપોલ ઉભો કરવા માટેની આપેલી અરજી બાદ તંત્ર દ્વારા વીજપોલ ઉભો કરી ગયા બાદ સોનારડી ગામે રહેતા બાબુભા જીવુભા જાડેજા તેમજ પ્રદિપસિંહ બાબુભા જાડેજા નામના બે શખ્સો સાથે થયેલી બોલાચાલી બાદ થયેલા સમાધાન પછી પણ ઉપરોક્ત બંને આરોપીઓએ વીજપોલ બાબતે "તું અમારો વીજપોલ લઈ ગયેલ છે"- તેમ કહી બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ આનંદભાઈ છૂછર દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસ આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

ખંભાળિયાના બેરાજામાં જુગાર રમીને નૂતન વર્ષની ઉજવણી કરતા બે મહિલાઓ સહિત નવ ઝબ્બે

ખંભાળિયા તાલુકાના બેરાજા ગામે રહેતા જેસા કારૂ માડમ નામના શખ્સના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની માહિતી સ્થાનિક પોલીસ સ્ટાફને મળતા મંગળવારે બેસતા વર્ષના ચઢતા પહોરની સવારે આશરે સવા ચાર વાગ્યે પોલીસ સ્ટાફે આરોપી જેસા કારૂ માડમના રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો. અહીં નાલ ઉઘરાવીને રમાતા જુગારધામમાંથી પોલીસે જેસા કારૂ માડમ, વીઘા હાજા સંધીયા, ડોસલ બોઘા જામ, મેરામણ કારા આંબલીયા, નંગા રામ મોવર, સવદાસ આલા આંબલીયા, રાજેશ અરજણ નકુમ, તેમજ જામનગરના વર્ષાબેન ઉર્ફે હંસાબેન ધનજીભાઈ પ્રેમજીભાઈ પરમાર અને હીનાબેન ઉર્ફે હિરલબેન પ્રવીણભાઈ જેઠાભાઈ ચાવડા નામના નવ વ્યક્તિઓને પોલીસે ઝડપી લીધા હતા. ઝડપાયેલા આ પત્તાપ્રેમીઓ પાસેથી પોલીસે રૂપિયા 74,800 રોકડા તથા રૂપિયા 11,000 ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા દોઢ લાખની કિંમતની ઈક્કો મોટરકાર સહિત કુલ રૂપિયા 2,35,800 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.

સલાયામાં બાઈકની ચોરી કરવા સબબ ફરિયાદ

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા હસીનાબેન વલીમામદ ઈશાક ચંગડા નામના 35 વર્ષના મુસ્લિમ ભડેલા મહિલાના રહેણાંક મકાનમાંથી સલાયાના રહીશ એજાજ ઉર્ફે એજલો રજાક સંઘાર નામના શખ્સે ગેરકાયદેસર રીતે અપપ્રવેશ કરી, આ મકાનના ફળિયામાં રાખવામાં આવેલું રૂપિયા 55 હજારની કિંમતનું જી.જે. 37 કે. 9554 નંબરનું સ્પ્લેન્ડર મોટરસાયકલ ચોરી કરીને લઈ ગયો હોવાની ફરિયાદ હસીનાબેન દ્વારા સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે એજાજ ઉર્ફે એજલો સંઘાર સામે આઈ.પી.સી. કલમ 379 તથા 448 મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સામાન્ય બાબતે ખંભાળિયાના યુવાન પર હુમલો

ખંભાળિયામાં મિલન ચાર રસ્તા વિસ્તારમાં રહેતા રાણશીભાઈ ભોજાભાઈ સંધીયા નામના 36 વર્ષના ગઢવી યુવાનના બુલેટ મોટરસાયકલ પર બેઠેલા ભીમા માણસી કારીયા અને દેવદાસ ભીમા કારીયા નામના બે શખ્સોને ફરિયાદી રાણશીભાઈ સંધીયાએ બુલેટ પર બેસવાની ના પાડતા આરોપીઓએ ઉશ્કેરાઈને બેટ વડે હુમલો કરી, ઈજાઓ પહોંચાડતા આ બનાવ અંગે બંને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

કલ્યાણપુર નજીક મોટરસાયકલની અડફેટે બાઈક ચાલકનું મોત

કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામમાં રહેતા રામશીભાઈ છૂછર નામના આહીર આધેડ તેમના જી.જે. 37 એચ. 8688 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે જુવાનપુર ગામના ડિવાઈડર પાસે પહોંચતા આ માર્ગ પર આવી રહેલા જી.જે. 37 એલ. 3930 નંબરના મોટરસાયકલના ચાલકે રામશીભાઈના મોટરસાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે તથા શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર અર્જુન રામશીભાઈ છૂછરની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે આરોપી મોટરસાયકલના ચાલક સામે આઈપીસી કલમ 304 (એ), 279, તથા 338 અને એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ભાટિયાના પી.એસ.આઈ. કે.એમ. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.

ખંભાળિયાની સગીરાના અપહરણ સબબ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ

ખંભાળિયા તાલુકાના રામનગર વિસ્તારમાં રહેતા એક પરિવારની આશરે સવા સતર વર્ષની સગીર વયની પુત્રીને કોઈ અજાણ્યો શખ્સ ગત તારીખ 10 નવેમ્બરના રોજ લલચાવી, ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદાથી અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતા દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસ આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ મહિલા પોલીસ મથકના પી.આઈ. જે.જે. ચૌહાણ દ્વારા હાથ ધરવામાં આવી છે.

સલાયામાંથી જામનગરનો શખ્સ છરી સાથે ઝડપાયો

ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં સ્ટેશન રોડ વિસ્તારમાંથી પોલીસે જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા નયન મોહમ્મદહનીફ વહાણવટી નામના 21 વર્ષના યુવાનને છરી સાથે નીકળતા ઝડપી લઈ, તેની જી.પી. એક્ટની કલમ 135 (1) મુજબ ગુનો નોંધ્યો હતો.