• વીજરખી ફાયરિંગ રેન્જથી બે કિલોમીટર દૂર વાડીમાં ખેતી કામ કરી રહેલા ખેડૂત યુવાનને પડખામાં ગોળી વાગી: ઇજાગ્રસ્તને  સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી ઓપરેશન કરી ગોળી બહાર કાઢી લેવાઇ

જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર નજીક વિજરખી ફાયરિંગ રેન્જ વિસ્તારમાં ગઈકાલે સવારે ફાયરિંગ પ્રેક્ટિસ ચાલી રહી હતી, જે દરમિયાન બે કિ.મી. દૂર આવેલી એક ખેડૂતની વાડીમાં કામ કરી રહેલા ખેડૂત યુવાનને પડખામાં ગોળી વાગી ગઈ હતી. જેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી તેના શરીરમાંથી ગોળી કાઢી લેવામાં આવી છે. આ બનાવ પછી પોલીસ તંત્ર દોડતું થયું છે.
જામનગરમાં વિજરખી વિસ્તારમાં ફાયરિંગ રેન્જ થી બે કિમી દૂર આવેલી મનસુખભાઈ લોખિલ નામના ખેડૂતની વાડીમાં ગઈકાલે સવારે મનસુખભાઈ લોખીલ (ઉ.વ.૩૨) ખેતી કામ કરી રહ્યા હતા, અને કપાસ વીણવાનું કામ કરતા હતા, જે દરમિયાન તેઓને પડખાના ભાગમાં એકાએક ગોળી વાગી ગઇ હતી.
ગઈકાલે વહેલી સવારે ફાઈરીંગ રેન્જ વિસ્તારમાં ચેલા એસ.આર.પી દ્વારા ફાયરિંગની પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી, દરમિયાન આ બનાવ બન્યો હતો, અને ખેડૂતને પડખામાં ગોળી વાગી હોવાથી તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, અને તબીબો દ્વારા શસ્ત્રક્રિયા કરીને તેમના શરીરમાં લાગેલી ગોળીને બહાર કાઢી લેવામાં આવી હતી, અને હાલ ખેડૂત ની તબિયત સુધારા પર છે, અને તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાની પંચકોશી એ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમ જી.જી. હોસ્પિટલ પહોંચી ગયો હતો, અને ખેડૂત તથા તેના પરિવારજનો ના નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે.
વિજરખી રેન્જ આસપાસના વિસ્તારમાં અગાઉ પણ આવા બનાવો બની ચૂકેલા છે, અને ગાય ભેંસ તેમજ ખેત મજૂરોને પણ ગોળી વાગી છે. જેને લઈને સ્થાનિક ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર, મામલતદાર અને જિલ્લા પોલીસ વડા ને પણ રજૂઆત કરવામાં આવી હતી.