જુના મનદુઃખના કારણે જામજોધપુરના પોલીસ કોન્સ્ટેબલ અને તેના પિતા સહિત ત્રણ શખ્સોએ કાસળ કાઢી નાખ્યું: આરોપી પોલીસમેન સહિતના આરોપીઓ હત્યા નિપજાવીને ભાગી છુટ્યા હોવાથી લાલપુર પોલીસ દ્વારા નાકાબંધી કરાઇ
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામમાં હત્યા નો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર જાગી છે. જૂની અદાલતનું મનદુઃખ રાખીને રાજપૂત ખેડૂત યુવાન પર તેના જ દૂરના પિતરાઈ ભાઈ અને જામજોધપુર પોલીસ માથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસમેન અને તેના પિતા સહિતના ત્રણ આરોપીઓએ છરીના ઘા ઝીંકી દઈ હત્યા નીપજાવી હોવાનું લાલપુર પોલીસ મથકમાં જાહેર થયું છે. લાલપુર પોલીસે હત્યારા પોલીસમેન અને તેના પિતા સહિતના ત્રણ આરોપીઓ સામે હત્યાનો અપરાધ નોંધી ત્રણેયને પકડવા માટે ચો તરફ નાકાબંધી કરાઈ છે.આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા વિરેન્દ્રસિંહ છોટુભા જાડેજા નામના ૨૭ વર્ષના ખેડૂત રાજપૂત યુવાન પર ગઈકાલે રાત્રિના સવા દસેક વાગ્યાના અરસામાં ગ્રીન પાન નામની દુકાન પાસે તેનાજ દૂરના પિતરાઈ ભાઈ અને જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજદિપસિંહ જગદીશ જાડેજા અને તેના પિતા જગદીશસિંહ બહાદુરસિંહ જાડેજા અને કુંદનસિંહ રામભા જાડેજા સાથે જૂની અદાવત ના કારણે તકરાર થયા પછી ત્રણેય આરોપીઓએ છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો.
ઇજાગ્રત વિરેન્દ્રસિંહ જાડેજા ને ગળાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં છરીના ઘા વાગ્યા હોવાથી તેને લોહી નીકળતી હાલતમાં એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે લાલપુરની હોસ્પિટલમાં મોડી રાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબી સારવાર કારગત નિવડી ન હતી, અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી બનાવ હત્યામાં પલટાયો હતો.
આ હત્યાના બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈ પ્રદ્યુમનસિંહ લાલુભા જાડેજાએ વિરેન્દ્રસિંહ જાડેજા ની હત્યા નીપજાવવા અંગે પોલીસમેન રાજદિપસિંહ જાડેજા તેના પિતા જગદીશસિંહ બહાદુર સિંહ જાડેજા અને કુંદનસિંહ રામભા જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદના અનુસંધાને લાલપુર પોલીસે આઇપીસી કલમ ૩૦૨,૩૨૩,૧૧૪ અને જીપીએસ કલમ ૧૩૫-૧ મુજબ ગુનો નોંધ્યો છે. મૃતક યુવાન અને આરોપી પોલીસમેનને અગાઉ પાણીના ટેન્કર બાબતે તકરાર થઈ હતી, જેનું મન દુઃખ રાખીને ગઈકાલે રાત્રે એક પાનની દુકાને સામસામાં મળી જતાં હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. હાલમાં ત્રણેય આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.
0 Comments
Post a Comment