જામનગર મોર્નિંગ - ખંભાળિયા 


ખંભાળિયામાં રહેતા એક ડ્રાઇવર કર્મચારીને એસ.ઓ.જી. પોલીસે નશાકારક એવી 500 નંગ કેપ્સ્યુલ સાથે ઝડપી લીધો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા તથા સ્ટાફ દ્વારા બુધવારે કરવામાં આવેલી કાર્યવાહીમાં અત્રે તેલી નદીના કાંઠે આવેલી અજમેર પીરની ટેકરી પાસે રહેતા ઈરફાન ઉર્ફે બાપુ અલારખાભાઈ ઈસ્માઈલભાઈ શેઠા નામના 29 વર્ષના સંધી મુસ્લિમ યુવાનના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો.

પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ઉપરોક્ત શખ્સ દ્વારા પોતાના મકાનમાં છુપાવીને રાખવામાં આવેલી ચોક્કસ કંપનીની નશાકારક કેપ્સ્યુલનો જથ્થો મળી આવ્યો હતો. આશરે 62 ગ્રામ જેટલા વજનની મળી આવેલી 500 નંગ ટેબલેટની કિંમત રૂ. 1,200 ગણવામાં આવી છે આ ઉપરાંત એક મોબાઇલ ફોન મળી, કુલ રૂપિયા 6,200 ના મુદ્દામાલ સાથે પોલીસે ઉપરોક્ત શખ્સની અટકાયત કરી હતી.

ઝડપાયેલો ઈરફાન ઉર્ફે બાપુ શેઠા ખંભાળિયા નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ ઉપર ડ્રાઇવિંગ કામ કરતો હોવાનું વધુમાં જાહેર થયું છે. નશાકારક એવી આ ટેબલેટનો જથ્થો તેણે અત્રે જડેશ્વર સોસાયટી ખાતે રહેતા વિજયભાઈ મથુરાદાસ ગોંડીયા પાસેથી મેળવ્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયાને ફરિયાદ પરથી એન.ડી.પી.એસ. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ સાયબર ક્રાઇમ સેલ વિભાગના પી.આઈ. એસ.આર. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.