જામનગરના કોંગ્રેસી કોર્પોરટર સામે લેન્ડ ગ્રેબીંગનો અપરાધ નકારતી હાઈકોર્ટ

કાલાવડ નાકા બહારના લેન્ડ ગ્રેબીંગ કેસમાં બંને વેપારીઓને આગોતરા જામીન મુક્તિ

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના કાલાવડ નાકા બહારના એક લેન્ડ ગ્રેબીંગ કેસમાં સ્થાનિક તંત્રને ગુજરાત હાઈકોર્ટે ઝાટકારૂપ હુકમ કર્યો છે. જેમાં કોંગ્રેસી કોર્પોરેટર સામેનો અપરાધ નકારી કાઢ્યો છે. તેમજ બે વેપારીઓની આગોતરા જામીન અરજી મંજુર કરવામાં આવી છે. 

શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં એચ.એસ. એન્ટરપ્રાઈઝ ચાયવાલા નામથી ધંધો કરતાં હોટલના માલિક સીદીક હાજી તેમજ અને કાદી હાજી મેતર દ્વારા  મહાનગર પાલિકાની માલિકીની ફુટપાથ પરની જમીનમાં દબાણ કરવામાં આવેલા અને તે દબાણ દૂર કરવાની કાર્યવાહી મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવતાં જામનગર મહાનગર પાલિકાના કોર્પોરટેર અને વિરોધ પક્ષના પૂર્વ નેતા અસલમ ખીલજી દ્વારા આ કાર્યવાહી સામે વાંધો લેવામાં આવેલો.

 જેમાં સમગ્ર લાઈનની બધી દુકાનો દ્વારા ફુટપાથ પર ઢાળિયા બનાવેલા છે, છતાં માત્ર એક જ દુકાનદાર સામે આવી કાર્યવાહી યોગ્ય નથી એવી રજૂઆત કરી હતી. 

આ ઘટના સંંબંધે બંને હોટલ માલિક અને અસલમ ખીલજી સામે લેન્ડ ગ્રેબીંગ એકટની કલમ ૪ અને ૫ તળે ગુનો દાખલ કરતાં અસલમ ખીલજીએ ગુજરાત હાઈકોર્ટમાં રીટ દાખલ કરેલી, અને માત્ર પ્રજાના પ્રતિનિધિ તરીકે કરેલી રજૂઆતને લેન્ડ ગ્રેબીંગમાં મદદગારી ગણી શકાય નહીં, તેવી રજૂુઆત સાથે ફરિયાદ રદ કરવા સ્પેશ્યલ ક્રિમીનલ એપલીકેશન વકીલ વી. એચ. કનારા મારફત દાખલ કરી હતી. જેમાં હાઈકોર્ટ સમક્ષ અસલમ ખીલજી સામે લેન્ડ ગ્રેબીંગનો અપરાધ બની શકે નહીં તેવું ઠરાવ્યું છે. 

એ પછી બંને વેપારીઓ સામે ગુન્હાની તપાસ પોલીસે હાથ ધરેલી હતી, અને તપાસ કરનાર અધિકારી  ડી.વાય. એસ.પી. ઝાલાએ મુંબઈ સુધી આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આ બંને આરોપીઓ ફોજદારી પરચુરણ અરજી જામનગરના લેન્ડ ગ્રેબીંગ  કાયદા તળેની વિશેષ અદાલતમાં કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી, કે દુકાનદાર ફુટપાથ પર ઢાળિયો કરે તે આ કાયદા નીચે અપરાધ ગણી શકાય નહીં. ગુજરાત પ્રોવિન્શ્યલ મ્યુનિસિપાલિટી એકટ તળે આ પ્રકારના દબાણ દૂર કરવાની જોગવાઈ છે. આ વિસ્તારની તમામ દુકાનોમાં ફરિયાદીએ કરેલા ઢાળિયા પ્રકારના ઢાળિયા બધા દુકાનાદારોએ કરેલા છે. માત્ર અરજદારો સામે દબાણ દૂર કરવા ઝુંબેશ મહાનગર પાલિકા દ્વારા હાથ ધરે તે યોગ્ય નથી. 

આમ છતાં ઢાળિયો તેાડી પાડવામાં આવ્યો છે. ઉભય પક્ષની રજૂઆતો બાદ જામનગરની વિશેષ અદાલતે બંને અરજરાદરને રૂા.૫૦,૦૦૦ ના જામીન પર મુકત કરવા આગોતરા જામીનનો હુકમ કર્યો છે. આ કામે અરજદાર તરફે વકીલ  વી. એચ. કનારા રોકાયા છે.