જામનગર મોર્નિંગ - જામનગર 

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે દેશમાં તૈયારીઓ થઈ રહી છે ત્યારે દીર્ઘ સમયનું એક સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે.આ સમયે નામદાર સુપ્રીમ કોર્ટ. આપણા વડાપ્રધાન તથા તમામ પ્રદાન કર્તાઓએ મંદિરના નિર્માણને ફળીભૂત કરવા માટે જે ભાગ ભજવ્યા તેની કદર કરીને સ્વીકારવું જ જોઈએ.અયોધ્યામાં રામ મંદિર વિષયક વાતો પ્રસંગકથાઓ અને રહસ્યોથી ભરપૂર છે.

૨૦૦૨ ના ઉનાળામાં તત્કાલીન વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ શ્રી અશોક સિંઘલ અમારા બેંગલોર આશ્રમમાં મને મળવા આવ્યા હતા.તેઓ કાંચીપુરમમાં તત્કાલીન કાંચી શંકરાચાર્ય શ્રી જયેન્દ્ર સરસ્વતીને રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદના વિખવાદના સંદર્ભમાં મળીને આવ્યા હતા. શંકરાચાર્ય અને અગ્રણી મુસલમાન નેતાઓ વચ્ચેની વાતચીત નિષ્ફળ ગઈ તે પછી તરતની આ વાત છે.

હવે અશોકજી ઈચ્છતા હતા કે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી રામ મંદિરના નિર્માણ માટે ત્વરિત નિર્ણાયક થઈને માર્ગ મોકળો કરે.આ એમનો એક મુદ્દાનો કાર્યક્રમ હતો.તેમની કેટલીક માંગણીઓ વાજપેયીજી ગઠબંધન સરકાર ચલાવતા હતા તેને અનુલક્ષીને ગેરવ્યાજબી હતી.

હું ૨૦૦૧ માં વર્લ્ડ ઈકોનોમીક ફોરમમાંથી ભારત પરત આવ્યો હતો ત્યારે વાજપેયી મને મળ્યા હતા અને અમે ત્યારથી અયોધ્યા સમસ્યા બાબતે સંપર્કમાં રહ્યા હતા.તેમણે લાંબા ગાળાથી ચાલ્યા આવતા આ વિખવાદનું શાંતિમય અને સર્વસંમત નિરાકરણ લાવવાનું કામ મને સોંપ્યું.તેના સંદર્ભમાં મેં મુસ્લિમ વર્ગના નેતાઓ અને પ્રભાવશાળી સભ્યો સાથે અનેક વાર વાતચીત ગોઠવી હતી.આ ચર્ચા વિચારણાઓની સૂક્ષ્મતા એ અલગથી કરવી પડે તેવી વાતો છે.

રસપ્રદ વાત એ છે કે અશોકજીનો તે સમયે વડાપ્રધાન વાજપેયી સાથે વાત કરવાનો સંબંધ નહોતો,ખાસ કરીને જ્યારે અયોધ્યા વિખવાદ મામલે તેઓએ જે આમરણાંત ઉપવાસની ઝુંબેશ ઉપાડી હતી ત્યારે વાજપેયીજીએ તેમને જબરજસ્તીથી ખવડાવ્યું હતું ત્યારથી. આથી, હવે તેઓ મને એવું સમજાવવા આશ્રમમાં આવ્યા હતા કે હું રામ જન્મભૂમિ બાબતનું કાયમી નિરાકરણ આવે એ માટે કાયદો લાવવા વાજપેયીજીને મનાવી લઉં. તેઓ માનતા હતા કે ભલે તેમ કરવામાં સરકાર તૂટી પડે.તેઓ બોલ્યા, "મને નથી પડી."

તે સમયે અશોકજી,મારા કરતાં દોઢ ગણા મોટા.૭૬ વર્ષના હતા. તેમનામાંથી અતિ ઉત્સાહસભર જુસ્સો ઝરમરતો હતો અને આંખોમાં ચમક હતી; એ ચમક એમના જુસ્સા, સકારણ રોષ અને હતાશા વ્યક્ત કરતી હતી.. તેમણે મને પૂછ્યું શું મંદિર ક્યારેય બંધાશે ખરું? તેમને તેમના જીવનકાળમાં તે જોવા મળશે? તે સમયે મને અંતઃસ્ફૂરણા થઈ કે ઓછામાં ઓછા બીજા ૧૪ વર્ષ સુધીમાં મંદિર બંધાવાનું નથી.મને યાદ છે કે મેં તેમને કહ્યું હતું,"તેને માટે પ્રાર્થના કરો અને તમારા સંકલ્પથી બધું શક્ય છે. "મેં જે કહ્યું તેનાથી થોડા સંતુષ્ટ થઈને અશોકજીએ આશ્રમથી વિદાય લીધી.

બીજા દિવસે સવારે ધ્યાન કરતી વખતે મને એક જીર્ણ થઈ ગયેલા અને તળાવ સાથેના દેવી મંદિર,જેને પુનઃસ્થાપિત કરવાની જરૂર હતી, એની ઝાંખી થઈ.એ સમયે મેં એ બાબત પર કંઈ ધ્યાન ના આપ્યું. થોડા દિવસ પછી તામિલનાડુથી એક વૃધ્ધ નાડી સિધ્ધર આશ્રમની મુલાકાતે આવ્યા હતા અને મને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેઓએ પૌરાણિક તાડના પાન પરના લખાણ વાંચ્યા અને નમ્ર અધિકારથી જણાવ્યું, "ગુરુદેવ,અહીં એવું લખ્યું છે કે તમારે રામ જન્મભૂમિના મામલાને સુલઝાવવા બન્ને ધર્મના લોકોને ભેગા કરીને ભાગ ભજવવો પડશે." તેમણે ઉમેર્યું, "નાડીના પાન એવું પણ દર્શાવે છે કે શ્રી રામના કૂળદેવી દેવકાળીનું મંદિર એકદમ ઉપેક્ષિત અવસ્થામાં પડ્યું છે.એનું પુનઃસ્થાપન નહીં કરવામાં આવે ત્યાં સુધી અયોધ્યામાં રામ મંદિરની આસપાસ હિંસા અને સંઘર્ષ નહીં અટકે." તેમણે જે રીતે પુનરોચ્ચાર કરતાં કહ્યું,"આ કામ કરવું જ પડશે !" તેનાથી તાકીદે તે વિશે યોગ્ય કરવાની આવશ્યકતા અને તેમની દ્રઢ માન્યતા વ્યક્ત થયા.

એ નાડી સિધ્ધર કે હું આવા કોઈ મંદિરના અસ્તિત્વ વિશે જાણતા નહોતા. મેં કેટલાક સ્રોત થકી અયોધ્યામાં કાળી મંદિરો વિશે પૂછપરછ કરી. અમને એ માહિતી મળવામાં બહુ સમય ના લાગ્યો કે હકીકતમાં ત્યાં બે કાળી મંદિર હતા.એક શહેરમાં વચ્ચે હતું.જે છોટી દેવકાલી મંદિર તરીકે ઓળખાતું જ્યારે બીજું થોડું દૂર હતું જે દેવકાલી મંદિર તરીકે જાણીતું હતું.

દેવકાલી મંદિરની ઈમારત ખંડેર થઈ ગઈ હતી. તેનું મધ્યસ્થ તળાવ કચરો ફેંકવાનું સ્થાન બની ગયું હતું.મેં અમારા દિલ્હી અને લખનૌના સ્વયંસેવકોનો એ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું અને તળાવની કાયાકલ્પ કરવાનું કામ શરુ કરવા સંપર્ક કર્યો. સપ્ટેમ્બરની મધ્ય સુધીમાં તેઓએ સફળતાપૂર્વક એ કામ પાર પાડ્યા.

હું ૧૮ સપ્ટેમ્બરે થોડા લોકો સાથે અયોધ્યા પહોંચ્યો.અમારી હનુમાન ગઢી.શ્રી રામ જન્મસ્થાન અને અન્ય પવિત્ર સ્થળોની મુલાકાત શહેરની સાંકડી ગલીઓ અને કચરાથી ભરપૂર રસ્તાઓ થકી થઈ જે શહેરની થઈ રહેલી સંપૂર્ણ અવગણનાનો ચિતાર આપતા હતા. લોકોમાં ડરની લાગણી વ્યાપેલી હતી.હું જ્યાં ગયો તે દરેક જગ્યાએ લોકો પાસે આ લાંબા સમયથી ચાલતા વિખવાદ દરમ્યાન કેટલાય સાધુ સંતોએ પોતાના જાન ગુમાવ્યાની વાતો હતી.આ સાધુઓ કે જેમના કોઈ ચોક્કસ આશ્રમ નહોતા.કુટુંબ કે કોઈ સ્થાનિક સંપર્કો નહોતા, તેમના માટે રજુઆત કરવાની કોઈ હિંમત કરી શકતું નહોતું. તેમના દુખની વાતો સાંભળવાનું હ્રદયદ્રાવક હતું.આ હકીકતોને પ્રસાર માધ્યમોમાં ક્યારેય સ્થાન મળ્યું નહોતું.

૧૯ સપ્ટેમ્બર, ૨૦૦૨ ની સવારે દેવકાલી મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.અમારા આશ્રમના પંડિતોના એક સમૂહે મારી ઉપસ્થિતિમાં પૂજા વિધિઓ કરી જ્યારે મેં પવિત્ર અગ્નિમાં પૂર્ણાહુતિ અર્પણ કરી ત્યારે એ મંદિરના વૃધ્ધ પૂજારીની આંખોમાં મેં આનંદ અને કૃતજ્ઞતાના અશ્રુ જોયા.દેવકાલી તેમના સંપૂર્ણ ઓજસમાં દૈદીપ્યમાન દેખાતા હતા.

મેં ડૉ.બી. કે.મોદી,જે પણ તે દિવસે ત્યાં ઉપસ્થિત હતા તેમને, મને જે ઝાંખી થઈ હતી પરંતુ ગણકારી નહોતી તેની અને નાડી સિધ્ધરની ભવિષ્ય વાણીની વાત કરી,આશ્ચર્યજનક એ છે કે એ મંદિરમાં પૂજા પછી અયોધ્યામાં કોમી હિંસાને લીધે કોઈ હત્યા કે હુલ્લડ થયા નથી.એક આગાહી સાચી પડી હતી.તે દિવસે ત્યાં અશોક સિંઘલ પણ ઉપસ્થિત હતા અને મને ફરીથી એ જ અંતસ્ફૂરણા થઈ હતી કે રામ મંદિર બાબતે અંતિમ ઉકેલ માટે ગતિવિધિ પકડવામાં ઓછામાં ઓછા બીજા ૧૪ વર્ષ નીકળી જશે.

તે દિવસે મોડી સાંજે દેવકાલી મંદિરના પટાંગણમાં એક સંત સમાગમ યોજાયું હતું,જેમાં અમે હિંદુ અને સૂફી બન્ને સંતોને નિમંત્ર્યા હતા.હજાર કરતાં વધારે લોકો સત્સંગમાં જોડાયા હતા.દરેકે વિખવાદનો શાંતિમય ઉકેલ આવે એ માટે સામૂહિક પ્રાર્થના કરી.મેં મુસ્લિમ નેતાઓનું અભિવાદન કર્યું અને તેમણે મને કુરાનની સાથે સાથે તુલસી રામાયણના પુસ્તકો ભેટ આપ્યા તથા તેમને શ્રી રામ માટે ઊંડો આદર છે તે વાત જણાવી. તેમની અભિવ્યક્તિમાં સ્પષ્ટ ભ્રાતૃભાવ દેખાતો હતો. તેનાથી મારી માન્યતા દ્રઢ થઈ કે માત્ર સ્થાપિત હિતો ધરાવનાર લોકો જ બન્ને ધર્મના લોકો વિભાજીત રહે એવું ઈચ્છે છે.

આ સદીઓ જૂના વિખવાદમાં પૂરતું લોહી વહી ચૂક્યું હતું.હવે એવા ઉકેલની જરૂર હતી જે સમયના વહેણ સામે ટકી રહે.આ હકીકતને ધ્યાનમાં રાખીને ૨૦૦૩ માં મેં કોર્ટની બહાર સમાધાન કરવા ભલામણ કરી.જેમાં મુસ્લિમ વર્ગ શુભ લાગણીની અભિવ્યક્તિ તરીકે હિંદુઓને રામ જન્મભૂમિની બક્ષિસ આપે અને વળતામાં હિંદુઓ તેમને ૫ એકર જમીન આપે અને મસ્જિદ બાંધવામાં સહાય પણ કરે.એનાથી બન્ને ધર્મોની આવનાર અનેક પેઢીઓ સુધી ભ્રાતૃભાવનો સ્પષ્ટ સંદેશો જશે.

દેવકાલી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી અશોકજીએ મને તેમના અલ્હાબાદના પૌરાણિક ઘરમાં આવવા આમંત્રણ આપ્યું હતું.એક સામુહિક ધ્યાન કરાવ્યા પછી મેં અશોકજીને કહ્યું કે કોઈ પણ કાર્ય ફળીભૂત થવામાં માત્ર માનવીય પ્રયત્ન એકલો નહીં પરંતુ દિવ્ય શક્તિ પણ ભાગ ભજવે છે.અને એ માટે આપણામાં ધીરજ હોવી જરૂરી છે.આમ,મેં તેમને સંકેત આપ્યો કે તેમણે ઉતાવળમાં કંઈ ના કરવું જોઈએ.સાંજ પૂરી થતાં સુધીમાં તે ઘણા રાહતમાં અને આશ્વસ્ત લાગ્યા.તેમનું વાજપેયી સરકાર પ્રત્યેનું વલણ પણ કૂણું પડ્યું.

વર્ષો વીતી ગયા. ર૦૧૭માં બન્ને ધર્મના નેતાઓના અને પછી સુપ્રીમ કોર્ટના કહેવાથી મેં રામ જન્મ ભૂમિ બાબતે મારા પ્રયાસો પુનઃ શરુ કર્યા.અંતે સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન મંદિર બાંધવા માટે આપવા અને ૫ એકર જમીન મસ્જિદ માટે ફાળવવા ચુકાદો આપ્યો.એ એક મહત્વશીલ પ્રસંગ હતો જ્યારે ૫૦૦ વર્ષ જૂના વિખવાદનો શાંતિમય ઉકેલ આવ્યો.

ઘણી વાર સ્થૂળ દેખાતી ઘટનામાં કોઈ સૂક્ષ્મ પાસું છુપાયેલું હોઈ શકે છે. આપણે સ્થૂળ જગતમાં કારણ-અને-અસર અનુસાર ગતિવિધિઓ કરતા હોઈએ છીએ,અને ભાગ્યે જ આપણી કલ્પના એનાથી આગળ દોડાવીએ છીએ.સત્ય એ છે કે સૂક્ષ્મ જગતના બળોની આપણા ભૌતિક જગતના પરિણામો પર નોંધપાત્ર અસર હોય છે-આપણે રહીએ છીએ તે ગૂઢ દુનિયાનું આ એક વધુ રહસ્ય છે.