- વાહનો સહિત રૂપિયા 70 લાખનો મુદ્દામાલ સીઝ


જામનગર મોર્નિંગ - ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કિનારામાં આવેલા વિસ્તારમાં અગાઉ અનધિકૃત રીતે રેતી ચોરીના બનાવો પ્રકાશમાં આવ્યા હતા. આ રીતે અહીંના ખાણ ખનીજ વિભાગ દ્વારા ગત રાત્રે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કલ્યાણપુર પંથકમાંથી ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરી તંત્રએ ઝડપી પાડી હતી. જેમાં એક લોડર તથા ચાર ટ્રક સહિત કુલ રૂ. 70 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.

         આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ગઈકાલે બુધવારે મોડી રાત્રિના આશરે 12:30 વાગ્યાના સમય જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી કે.જે. રાજપુરાની આગેવાની હેઠળ તેમની ટીમના અંકુર ભાદરકા, સંદીપ ડોડીયા, પિંકલસિંહ રાજપુત, સ્મિત બાંભરોલીયા, રામદે નંદાણીયા અને ગોવિંદ પીઠીયાની ટીમ દ્વારા કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે આવેલા દરિયા કિનારા વિસ્તારમાં ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.

       તંત્ર દ્વારા રાત્રીના સમયે કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન દરિયા કિનારાના વિસ્તારોમાં અનધિકૃત રીતે ખનીજ ચોરી થતી હોવાનું ખુલવા પામ્યું છે. આ વિસ્તારમાંથી પોલીસે એક લોડર તથા રેતી ભરેલો એક ટ્રક તેમજ ખાલી હાલતમાં અન્ય ત્રણ ટ્રકો કબજે લીધા છે. આમ, ખાણ ખનીજ વિભાગ દ્વારા રૂ. 70 લાખનો મુદ્દામાલ સીઝ કરી અને આ તમામનો કબજો કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.

           આ વિસ્તારના ખનીજ ચોરો દ્વારા છેલ્લા ઘણા સમયથી દરિયાઈ રેતીનું ખનન કરવામાં આવતું હોય, તંત્રની પકડથી આવા શખ્સો દૂર રહ્યા હતા. એટલું જ નહીં, સ્થાનિક રહીશો દ્વારા રાત્રીના સમયે દરિયાઈ રેતીનું ખનન થતું હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. અગાઉ પણ આ વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની ચેકિંગ કાર્યવાહી દરમિયાન રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાથે ઝપાઝપી કરી અને કેટલાક શખ્સો દ્વારા સરકારી કામમાં દખલગીરી પણ કરવામાં આવી હોવાનું અને આ પ્રકરણ પોલીસ ચોપડે પણ ચડી ચૂક્યું હોવાનું જાહેર થયું છે.

        આ પ્રકરણમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા જમીન માપણી તેમજ ખનીજ ચોરી મુદ્દે વિવિધ દિશાઓમાં કામગીરી કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.