મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા ઉપરોક્ત માર્ગે ૧૦૦થી વધુ દબાણો હટાવવા માટે કાર્યવાહી: ૧૫૦થી વધુ જાહેરાતના બોર્ડ ઉતારાયા

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાં પવનચક્કીથી લાલપુર બાયપાસ ચોકડી સુધીના સૂચિત માર્ગને સાફ સૂથરો બનાવવા માટે જામનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કવાયત કરવામાં આવી રહી છે, અને ઉપરોક્ત માર્ગ પર બંને તરફે ગેરકાયદેસરના દબાણ હોય, તો તેવા દબાણકર્તાઓને સ્વયંભૂ ખસી જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.

જેના અનુસંધાને છેલ્લા બે દિવસથી ઉપરોક્ત માર્ગે સાફ-સફાઈ ચાલી રહી છે, અને ૧૦૦થી પણ વધુ દબાણકર્તાઓને કેનાલ સહિતની જગ્યા ખાલી કરવા માટેની સૂચના અપાઇ હોવાથી નાની મોટી કેબીન, ઝુપડા કમાન સહિતના દબાણો હટાવવામાં આવી રહ્યા છે. આગામી બે દિવસ સુધીમાં તમામ ખાલી કરી દેવામાં આવે તેવી સૂચના અપાઇ રહી છે.

આ ઉપરાંત સુચિત ગૌરવપથ માર્ગની બંને તરફ કેટલાક જાહેરાતના બોર્ડ, કે જેની મુદત પૂરી થઈ ગઈ છે, અથવા તો કોઈ પણ પ્રકારના ચાર્જ ભર્યા વીના લગાવવામાં આવેલા હોય, તેવા જાહેરાતના ૧૫૦ થી વધુ નાના મોટા બોર્ડ મહા નગરપાલિકા દ્વારા કબજે કરી લેવામાં આવ્યા છે. શહેરના સાત રસ્તા સર્કલથી સમર્પણ સર્કલ સુધીના માર્ગે પણ સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જ્યારે ઇન્દિરા માર્ગ પરથી પણ દબાણ હટાવવા માટેની સૂચના આપી દેવાઇ છે. જ્યાં પણ એસ્ટેટ શાખાની ટીમ કડક હાથે કામ લઈ રહી છે.