૪૦ વર્ષમાં પ્રથમ વખત ઉગ્રવાદી સંગઠન ઉલ્ફાએ શસ્ત્રો મૂક્યા

જામનગર મોર્નિંગ - આસામ 


આસામમાં શાંતિ જાળવવાના પ્રયાસમાં એક મોટી સફળતા મળી છે. આસામમાં ૪૦ વર્ષમાં પ્રથમ વખત સશસ્ત્ર ઉગ્રવાદી સંગઠન ઉલ્ફા એ ભારત અને આસામ સરકાર સાથે ત્રિ-પક્ષીય શાંતિ કરાર માટે સહમતિ દર્શાવી છે. આ સાથે જ અમૃતકાળમાં આસામના ઈતિહાસમાં એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન અંતર્ગત આસામ સહિત સમગ્ર નોર્થ-ઈસ્ટમાં હિંસાનો અંધકાર યુગને સમાપ્ત કરવાના પ્રયાસો પૂરજોશમાં ચાલી રહ્યા છે. અમિત શાહની ઉપસ્થિતિમાં ભારત સરકાર, આસામ સરકાર અને ઉલ્ફાની વચ્ચેનો આ ત્રિ-પક્ષીય શાંતિ કરાર સંભવ થઇ શક્યો છે. આ શાંતિ સમજૂતી સાથે નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં દાયકાઓથી ચાલી રહેલા ઉગ્રવાદનો અંત આવ્યો છે. નરેન્દ્રભાઇ મોદીજીના શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સમૃદ્ધ ઉત્તર-પૂર્વના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ઉઠાવવામાં આવ્યું છે. આસામ લાંબા સમયથી ઉલ્ફા હિંસાથી ઘેરાયેલું હતું અને ૧૯૭૯ થી અત્યાર સુધીમાં ૧૦ હજાર લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે.

આતંકવાદને માનવતાનો સૌથી મોટો દુશ્મન ગણનાર અમિત શાહની નીતિઓ અંતર્ગત આસામનું સૌથી જૂનું ઉગ્રવાદી સંગઠન ઉલ્ફા હિંસા છોડી દેવા, સંગઠનને વિખેરી નાખવા અને લોકશાહી પ્રક્રિયામાં સામેલ થવા માટે સંમત થયું છે. ઉલ્ફા સાથેના આ કરાર અંતર્ગત આસામના લોકોનો સાંસ્કૃતિક વારસો અકબંધ રહેશે. શરણાગતિ સ્વીકારનાર ઉલ્ફા કેડરોને સમાજની મુખ્ય ધારામાં જોડવામાં આવશે અને રોજગારના નવા રસ્તાઓ પ્રદાન કરવામાં આવશે. ઉલ્ફાના સભ્યો જેમને સશસ્ત્ર આંદોલનનો માર્ગ છોડી દીધો છે તેઓને મુખ્ય ધારામાં લાવવા માટે મોદી-શાહની જોડી તમામ શક્ય પ્રયાસો કરી રહી છે.

ભારતીય રાજનીતિના ચાણક્ય અમિત શાહ દ્વારા આસામમાં શાંતિને વ્યવસ્થાને લઈને ઉઠાવવામાં આવેલા આ પગલાને આવનારા સમયમાં આસામ સહિત સમગ્ર નોર્થ-ઈસ્ટના વિકાસ માટે ભવિષ્યમાં એક માઇલસ્ટોન સાબિત થશે. આજે અમૃતકાળમાં નોર્થ-ઈસ્ટમાં એક પછી એક સમસ્યાનો કાયમી ઉકેલ મળી રહ્યો છે. આતંકવાદ મુક્ત ભારતના નિર્માણ માટે સમર્પિત અમિત શાહની નીતિઓ હેઠળ અત્યાર સુધીમાં સમગ્ર નોર્થ-ઈસ્ટમાં ૯૦૦૦ થી વધુ કેડરોએ આત્મસમર્પણ કર્યું છે. છેલ્લા ૯ વર્ષોની સિદ્ધિઓના આધાર પર દેશ આજે સુરક્ષિત હાથમાં છે એવું માનવામાં કોઈ સંકોચ નથી.