તમાચણ ગામના સીમ વિસ્તારમાંથી દારૂની ૩૨૨ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો: વાડીમાં દારૂનો જથ્થો ઉતારતી વેળાએ પોલીસ ત્રાટકી: કાર સહિત રૂા. પાંચ લાખની માલમત્તા કબ્જે

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર તાલુકાના તમાચણ ગામની સીમ વિસ્તારમાં સ્થાનિક ગુન્હા શોધક શાખાએ દરોડો પાડી રૂા. એક લાખના વિદેશી દારૂ સાથે એક શખ્સની અટકાયત કરી હતી. 

આ બનાવની પોલીસ સુત્રોએ જાહેર કરેલી વિગતો મુજબ તમાચણ ગામની સીમમાં રેલવે ફાટકની બાજુમાં લખમણ ઉર્ફે લખન પરબતભાઈ ચાવડીયાએ ભાગમાં રાખેલ વાડીમાં અરજણ એભાભાઈ ભારવાડીયા  (રહે. ગોકુલનગર, જામનગર) વાળો શખ્સ સ્વીફટ કાર નં. જીજે 0૩ એફકે ૮૩૬૮માં વિદેશી દારૂનો જથ્થો વાડીમાં ઉતારે છે, તેવી બાતમી ક્રિપાલસિંહ જાડેજા, ધાનાભાઈ મોરી અને કલ્પેશભાઈ મૈયડને મળતા ઇન્ચાર્જ પીઆઇ બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.કે. કરામટા અને પી.એન. મોરીની સૂચનાથી દરોડો પાડતાં કારમાંથી રોયલ ચેલેન્જર ફાઈનલ રિઝર્વ વ્હીસકીની ૫૮ બોટલ, મેકડોવેલ્સ નં. ૧ વ્હીસ્કીની ૧૨૦ બોટલ, ગોલ્ડન ટાઈગર પ્યોરગ્રીન વ્હીસ્કીની ૪૮ બોટલ, રોયલ ચેલેન્જરની ૯૬ બોટલ અને મોબાઈલ ફોન તેમજ દારૂના જથ્થાની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલી સ્વીફટ કાર સહિત રૂા. પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે દારૂનો જથ્થો આપનાર નાઘેડીના શખ્સ રામ ઉર્ફે રામકો જીવાભાઈ મોઢવાડીયાનું નામ ખૂલતાં તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.