જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર કાનાલુસ ગામના પાટીયા પાસે ગઈકાલે બુધવારે મોડી સાંજે ખાનગી લક્ઝરી બસ પલટી મારીને રોડથી નીચે ઉતરી ગઈ હતી. જે બસની અંદર બેઠેલા મુસાફરો પૈકીના ૧૦ વ્યક્તિને નાની મોટી ઈજા થઈ છે, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે, જેમાં બે વ્યક્તિની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. આ અકસ્માત બાદ ૧૦૮ ની ટીમ અને પોલીસ તંત્ર દોડતું થયું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર કાનાલૂસ ગામના પાટીયા પાસે ગઈકાલે બુધવારે સાતેક વાગ્યાના અરસામાં એક ખાનગી લક્ઝરી બસ કે જે મોટી ખાવડીથી કેટલાક ખાનગી કંપનીના કર્મચારીઓને લઈને જામનગર તરફ આવી રહી હતી, જે બસ અકસ્માતે પલટી મારીને રોડથી નીચે ઉતરી ગઈ હતી.
આ અકસ્માતમાં બસની અંદર બેઠેલા મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી, અને ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. સૌપ્રથમ ૧૦૮ની ટીમને જાણ કરાતાં ૧૦૮ની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી, તેમજ અન્ય ખાનગી કંપનીની એમ્બ્યુલન્સ પણ બનાવના સ્થળે પહોંચી હતી, અને સૌપ્રથમ ૧૦૮ની ટીમે ચાર ઇજાગ્રસ્તો ને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, જેમાં બે વ્યક્તિની હાલત ગંભીર ગણાવાઇ રહી છે.
આ ઉપરાંત અન્ય છ વ્યક્તિને પણ નાની-મોટી ઈજા થઈ હોવાથી ખાનગી કંપનીની એમ્બ્યુલન્સ મારફતે સિક્કા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયા છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં મેઘપર પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે, સિક્કા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં, અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચ્યો છે, અને વધુ તપાસ ચલાવાઈ રહી છે.
0 Comments
Post a Comment