સીટી એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખી એક તસ્કર ને ઝડપી લીધો

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા એક દરજી પરિવારના રહેણાંક મકાનને તસ્કરો એ ધોળે દહાડે નિશાન બનાવી લઈ અંદરથી રૂપિયા ૪૮ હજારની માલમતા ની ચોરી કરી લઈ ગયા હતા, જે ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો છે, અને એક તસ્કરને ચોરાઉ દાગીના સાથે સિટી એ. ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સાધના કોલોની જલારામ મંદિર પાસે બ્લોક નંબર એલ ૪૪ ના ફ્લેટ નંબર ૨૯૩૩ માં રહેતા અને દરજી કામ કરતા અતુલભાઇ વિનોદભાઈ સોલંકી (૪૩) કે જેઓ શનિવારે બપોરે ૧.૦૦ વાગ્યે પોતાના મકાનને તાળું મારીને પરિવાર સાથે જમણવારના પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા જ્યાંથી બપોરે ત્રણ વાગ્યે પોતાના ઘેર પરત ફરતાં પોતાના ઘરના બાથરૂમ ની બારી તૂટેલી જોવા મળી હતી 

જેથી અંદર જઈને નિરીક્ષણ કરતાં કોઈ તસકરોએ બાથરૂમની બારી વાટે અંદર પ્રવેશ મેળવી લઇ કબાટમાં રાખેલી વસ્તુઓને વેરણ છેરણ કરી નાખી હતી, જ્યારે તિજોરીમાં રાખવામાં આવેલા રૂપિયા ૪૭ હજારની કિંમતના સોનાના દાગીના અને ૧,૦૦૦ની રોકડ રકમ સહિત ૪૮,૦૦૦ની માલમતાની ચોરી કરી લઈ ગયા હોવાનું ધ્યાન માં આવ્યું હતું.  તેથી સમગ્ર મામલો સીટી એ. ડિવિઝન પોલીસમાં લઈ જવાયો હતો, અને અતુલભાઇ સોલંકીએ પોતાના મકાનમાં થયેલી ચોરી અંગેની ફરિયાદ નોંધાવતાં સિટી એ ડિવિઝન પોલીસે બનાવના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી હતી.

દરમિયાન સીટી એ ડિવિઝનના ડી સ્ટાફે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે, અને ચાંદી બજાર વિસ્તારમાં સોનાના દાગીના વેચવા માટે આવેલા જામનગરમાં રણજીતસાગર રોડ પર મારવાડી વાસમાં રહેતા પરેશ ઉર્ફે દુબળો બેચરભાઈ સોલંકીની અટકાયત કરી લઇ તેની પાસેથી રૂપિયા ૧,૦૦૦ની રોકડ રકમ અને ચોરાઉ દાગીના કબજે કરી લીધા છે. જેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.