હોસ્પિટલના બીછાને સારવાર લઈ રહેલા યુવાનની ફરિયાદના આધારે પોલીસે જામનગરના પાંચ વ્યાજખોરો સામે ગુન્હો નોંધ્યો

ગ્રેઇન માર્કેટના એક વેપારી તેમજ ફરિયાદીના પિતરાઈ ભાઈ સહિત ચાર આરોપીઓ ને પોલીસે ઝડપી લીધા: અન્ય એક ની શોધ ખોળ

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહેતા અને ચાની કેબીન ધરાવતા એક યુવાને વ્યાજખોરોની ચુંગામાં ફસાઈ ગયા પછી ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે તેના નિવેદનના આધારે ગ્રેઈન માર્કેટના એક વેપારી સહિત પાંચ વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે, જે પૈકી ચાર આરોપીઓની અટકાયત કરી લીધી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં મહાવીર નગર શેરી નંબર- ૨ માં રહેતા અને ચાની કેબીન ધરાવતા પરસોત્તમભાઈ વાસુભાઈ ચાંદ્રા નામના ૫૮ વર્ષના યુવાને ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

જ્યાં એક દિવસ બેભાન રહ્યા પછી ગઈકાલે તે ભાનમાં આવ્યો હતો. દરમ્યાન સિટી સી ડિવિઝનના પોલીસ સ્ટાફે તેનું નિવેદન નોંધ્યું હતું, જેમાં પોતે જામનગરના પાંચ વ્યાજખોરો ની ચૂંગાલમાં ફસાઈ ગયો હોવાથી અને ચારથી પાંચ લાખ રૂપિયા જેટલું મુદ્દલ અને રાક્ષસી વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં હજુ પૈસા માગતા હોવાથી અને ચેક રિટર્નની ફરિયાદ કરાવી હોવાથી જિંદગીથી કંટાળી જઈ આત્મહત્યા નું પગલું ભરવા અંગેની જાણકારી આપી હતી.

જેથી પોલીસ દ્વારા પરસોત્તમભાઈ ચાંદ્રાની ફરિયાદના આધારે ગેરકાયદે નાણા ધીરધાર કરવા અંગે જામનગરના ગ્રેઈન માર્કેટના વેપારી પંકજ ટ્રેડર્સ વાળા પંકજભાઈ લુહાણા, તેમજ જામનગરના અશોક મળજી નંદા અને ભરત મૂળજી નંદા તેમજ પરસોત્તમભાઈ ના પિતરાઈ ભાઈ વિનોદ ત્રિકમદાસ ખાનીયા અને જામનગરના અમિત દોશી સામે ગેરકાયદે નાણા ધીરધાર કરવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. જે ફરિયાદના અનુસંધાને સીટી સી. ડિવિઝન પોલીસે ગ્રેઇન માર્કેટના વેપારી પંકજભાઈ ઉપરાંત અશોક નંદા અને ભરત નંદા તેમજ વિનોદ ખાનીયા ની અટકાયત કરી લેવામાં આવી છે. ઉપરાંત અમિત દોશી ની શોધખોળ ચલાવાઇ રહી છે. જે આરોપીએ ફરિયાદી યુવાનને ફાઇનાન્સ માં લોન પાસ કરાવવાનું બહાનું બતાવીને તેની પાસેથી બાવન હજાર રૂપિયા મેળવી લીધા હોવાનું ફરિયાદમાં જાહેર કરાયું છે.

પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી યુવાન કે જે કોરોના કાળ દરમિયાન પોતાનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી તેમજ પોતાની પુત્રીના લગ્ન કરવા માટે આરોપી અશોક નંદા, ભરત નંદા ,પંકજભાઈ તથા વિનોદ ખાનીયા પાસેથી પૈસા લીધા હતા જેનો અંદાજે ,૭ ટકા અને ૧૦ ટકા લેખે કટકે કટકે વ્યાજ અને મુદ્દલ સહિત પાંચેક લાખ રૂપિયાનું ચુકવણું કરી દીધું હતુંઝ તેમ છતાં પણ હજુ પૈસાની માંગણી કરાતી હતી.

આરોપી અશોક નંદા દ્વારા જામનગરની અદાલતમાં ચેક રીટર્ન અંગેની ફરિયાદ પણ નોંધાવી હતી, જે રકમ ભરપાઈ કરી શકે તેમ ન હોવાથી પોતે ઝેર પી લીધું હોવાનું પોલીસમાં જણાવ્યું છે સમગ્ર બનાવ મામલે પોલીસ તપાસ કરી રહી છે.