ટ્રક ચાલકે બ્રાસપાર્ટનો માલસામાન બારોબાર ઉતારી લઈ છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ: ખાલી ટ્રક કામરેજ પાસેથી રેઢો મળ્યો
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક ટ્રાન્સપોર્ટની પેઢી મારફતે બ્રાસ ઉત્પાદનનું એકમ ધરાવતા એક વેપારી ની પેઢીમાંથી નીકળેલો જામનગરનો એક ટ્રક ચાલક એકાએક છુમંતર થયો છે. ટ્રકમાંથી બ્રાસ નો સામાન ક્યાંક બીજે ઉતારી લઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે, જ્યારે ખાલી ટ્રક કામરેજ પાસેથી બિન વારસુ હાલતમાં મળી આવ્યો છે. પોલીસે ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે.
આ ફરીયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પુષ્કર ધામ સોસાયટીમાં રહેતા અને અને ટ્રાન્સપોર્ટ ની પેઢી માં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા તુષારભાઈ કિશોરભાઈ ગાગીયાએ જામનગરના રામેશ્વર નગર નજીક નંદન પાર્કમાં રહેતા ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામના ટ્રક ચાલક સામે રૂપિયા ૮૨,૨૫,૭૮૦ની કિંમતનો તૈયાર બ્રાસપાર્ટનો માલસામાન બારોબાર ઉતારી લઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી તુષારભાઈ ગાગીયાની કંપનીને જામનગરથી મહારાષ્ટ્રના સીનર (નાસીક) વિસ્તારમાં આવેલી એક પેઢીમાં બ્રાસપાર્ટનો તૈયાર માલ સામાન મોકલવા માટેનો ઓર્ડર મળ્યો હતો, અને જામનગર નજીક દરેડમાં આવેલી ટોપ મેન્યુફેક્ચરિંગ કંપની માંથી રૂપિયા ૮૨,૨૫,૭૮૦ ની કિંમત નો તૈયાર માલ સામાન રવાના કરવાનો હતો.
જે ઓર્ડર મુજબ તુષારભાઈ જાગીયા દ્વારા જામનગરના ટ્રક ચાલક ધર્મેન્દ્રસિંહ ઝાલાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, અને આશાપુરા રોડવેઝ કંપની મારફતે જીજે ૧૦ ટીવાય ૭૭૪૩ નંબરના ટ્રકમાં ૧૦ ટન જેટલો માલ સામાન ભરીને રવાના કરવામાં આવ્યો હતો, જેમાં ૩૦૦ નંગ દાગીનાઓ હતા, જેનું આશરે વજન ૯૮૩૮ કિલોગ્રામ અને આ માલ સામાનની કિંમત રૂપિયા ૮૨,૨૫,૭૮૦ થવા જાય છે.
જે જથ્થો ટ્રકમાં ભરીને જામનગર થી ટ્રક ચાલક નીકળ્યા પછી ગઈકાલ સુધીમાં નાસિકના નિર્ધારીત સ્થળે પહોંચ્યો ન હતો, અને તપાસ દરમિયાન ટ્રક ચાલક બ્રાસસપોર્ટનો માલ અન્યત્ર ઉતારી લઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. ત્યારબાદ તેનો ખાલી ટ્રક કામરેજ પાસેથી બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો.
જેથી ટ્રક ચાલક ધર્મેન્દ્રસિંહ ઝાલા સામે પંચકોષી બી ડિવિઝન પોલીસમાં આઇપીસી કલમ ૪૦૭ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, અને રેઢો પડેલો ટ્રક કબજે કરી લઈ તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.
0 Comments
Post a Comment