જામનગરમાં પંડિત નહેરુ માર્ગ પર આવેલી એક ખાનગી રોકાણકાર કંપનીના સંચાલકો દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ

જામનગર સહિતના સંખ્યાબંધ લોકોની રકમ રોકાણના બહાને મેળવી લઈ ચાર ભાગીદારો છુ મંતર થઈ ગયાની પોલીસ ફરિયાદ

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં પંડિત નહેરૂ માર્ગ પર એક બિલ્ડિંગમાં આવેલી ખાનગી રોકણકાર કંપની ના સંચાલકોએ જામનગર સહિતના સંખ્યાબંધ લોકોની કરોડોની રકમ રોકાણના અને માસિક ઊંચુ વળતર આપવાના બહાને મેળવી લીધા પછી રકમ પરત આપ્યા વિના તમામ સંચાલકો ભાગી છૂટ્યા હતા, અને કંપનીને ઓફિસને તાળા લાગી ગયા છે. જેથી રોકાણકારોએ પોલીસનો સંપર્ક સાધ્યા પછી ખાનગી કંપનીના ચાર ભાગીદારો સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પંડિત નહેરુ માર્ગ પર ન્યુ એટલાન્ટિક બિલ્ડિંગમાં ક્રેડિટબુલ્સ નામની કંપની આવેલી છે, જે ખાનગી પેઢીમાં જામનગર સહિતના જુદા જુદા લોકોને માસિક ઊંચા વળતરના બહાને જુદી જુદી સ્કીમમાં નાણાનું રોકાણ કરાવી માસિક વળતર આપવાની લાલચ આપી હતી. અને છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન સંખ્યાબંધ લોકો ના નાણા નું રોકાણ કરાવ્યું હતું, જે રકમ કરોડોમાં થવા જાય છે.

શરૂઆતમાં કેટલાક લોકોને દર મહિને તેઓના ખાતામાં વળતરની મોટી રકમ જમાવી કરાવી દેવાની લાલચ આપી હતી, ત્યારબાદ કંપનીના સંચાલકો છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન અનેક લોકોના નાણાંનું રોકાણ કરાવ્યા પછી પેઢીને તાળા મારી બારોબાર રફુચક્કર થઈ ગયા હતા, અને પેઢીના જુદા જુદા ચાર ભાગીદારો ના મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયા હતા.

છેલ્લા કેટલાક સમયથી રોકાણકારો કે જેઓનું વોટસએપ ગ્રુપ બનાવ્યું હતું, તેના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા, અને કંપનીની ઓફિસ તથા અન્ય સ્થળો પર શોધવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કોઈ પત્તો નહીં સાંપડતા આખરે મામલો જામનગરના જિલ્લા પોલીસવડા સમક્ષ લઈ જવામાં આવ્યો હતો, અને એસ.પી. પ્રેમસુખ ડેલુની સૂચનાથી ચિટિંગ કરનારા ખાનગી પેઢીના ચાર સંચાલકો સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રોકાણકારો પૈકીના જામનગરના એક વેપારી કેયુરભાઈ વિજયભાઈ સુરેલીયાએ પોતાની રૂપિયા પાંચ લાખની રકમ રોકાણના બહાને મેળવી લઇ છેતરપિંડી કરવા અંગે ક્રેડિટ બુલ્સ કંપનીના સી.ઇ.ઓ. અને ફાઉન્ડર જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર ૧૧ માં રહેતા ધવલ દિનેશભાઈ સોલાણી" ક્રેડિટબુલ્સ કંપનીના પાર્ટનર મુંબઈના ફર્જાના ઈરફાન અહેમદ શેખ, ક્રેડિટ બુલ્સ કંપનીના રિઝનલ હેડ જામનગરમાં સમર્પણ સર્કલ પાસે રહેતા પંકજ પ્રવીણભાઈ વડગામા, અને ક્રેડિત બુલ્સ કંપનીના હ્યુમન રિસોરસિંગ રિઝનલ જામનગરમાં પટેલ કોલોની માં રહેતા યશ દિનેશભાઈ સોલાણી સામે ફરિયાદ નોંધાવતા સીટી બી. ડિવિઝનના પી.એસ.આઇ જે.પી. સોઢા એ આઇપીસી કલમ ૪૩૦ અને ૧૨૦- બી મુજબ ગુનો નોંધ્યો છે, અને તમામ ચારેય આરોપીઓની શોધખોળ હાથ થઈ છે.

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા બે સોલાણી બંધુઓ સહિતના ચાર ભાગીદારોનું આ કારસ્તાન હોવાનું જાણવા મળી રહ્યું છે, અને જામનગરના અથવા તો આસપાસના વિસ્તારના ૧૦૦ થી ૧૨૫ જેટલા રોકાણકારોની અંદાજે ૧૦૦ કરોડથી વધુની રકમ ચાંઉ કરીને ભાગી છુટ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં ૧૦ જેટલા રોકાણકારો સામે આવ્યા છે, જે તમામના પોલીસ દ્વારા નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે.